મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ તળાજાના ટીમાણા ગામના ખેડૂત પરિવારમાં માતા-પિતા પોતાના બંને સંતાનમાં દિકરા અને દીકરીને લઈને શેત્રુંજી નદીમાં ન્હાવા અને કપડા ધોવા ગયા હતા.  પિતા અને પુત્ર બંને ન્હાતા હતા ત્યારે અચાનક તણાવા લાગ્યા જોકે ત્યાંના સ્થાનીક તરવૈયાએ પુત્રને બચાવી લીધો હતો. જોકે યુવાન પિતાનું મોત થયું હતું. પરિવારે મોભી જ ગુમાવી દેતા ભારે આક્રંદ થયો હતો.

ટીમાણા ગામે ખેતીકામ કરી પોતાનું અને પરિવારનું પેટીયું રળતા ધાંધલિયા પરિવારના મુકેશ લાભશંકરભાઈ, પત્ની દક્ષાબેન, દિકરો દિક્ષિત (ઉં. 10) અને દીકરી ઉર્વી સાથે ગામની નજીકથી વહી રહેલી શેત્રુંજી નદીમાં ન્હાવા તથા કપડાં ધોવા ગયા હતા. પિતા મુકેશભાઈ અને દિકરો દિક્ષિત ન્હાવા પડ્યા હતા અને સાથે ન્હાઈ રહ્યા હતા. આમ પણ હાલમાં નદીનું વહેણ વધુ હતું. જેને પગલે તેઓ તણાવા લાગ્યા. માતા અને પુત્રીની નજર સામે જ પુત્ર અને પિતા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. પુત્રનો આ ઘટનામાં બચાવ થયો હતો પરંતુ પિતાનો જીવ બચી શક્યો ન્હોતો.

ગામના પૂર્વ સરપંચ જીતુભાઈનું કહેવું છે કે, પિતા પુત્ર તણાઈ રહ્યા હતા. ખુદ પિતા મુકેશભાઈને પણ તરતા આવડતું હતું છતાં તેઓ પાણીમાં ખેંચાતા હતા. લગભગ એકાદ કલાક પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનીક તરવૈયા ઈરફાનભાઈ અને ઈકબાલભાઈએ દિક્ષિતને બચાવી લીધો હતો. આ બનાવને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમ દોડી આવી હતી.