પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): રાજકારણમાં નિષ્ઠા અને પ્રામાણિક્તાની કોઈ કિંમત નથી તેવું મોટાભાગના રાજકારણીઓ માને છે. આમ છત્તાં અનેક એવા નામો છે જેમણે પ્રામાણિક પણે પોતે રાજકારણી હોવા છતાં પોતાની નિષ્ઠાને અકબંધ રાખી છે. જેની તેઓ કિંમત પણ ચુકવે છે, છત્તાં તેઓ પોતાની સાથે પ્રામાણિક રહે છે. આવું જ એક નામ એટલે કે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાનું છે. ભાજપના એક ભાવનગરના કાર્યક્રમમાં મંચ ઉપર બેઠેલા રાજેન્દ્રસિંહ રાણાને જોતા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નીચે વળી તેમના ચરણ સ્પર્શ કરતાં ત્યાં હાજર ભાજપના કાર્યકરો એકદમ રોમાંચિત થઈ ગયા હતા.

કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ભાજપનું પ્રમુખ પદ્દ સંભાળનાર અત્યંત લોપ્રોફાઈલ નેતા હોવાની સાથે જમીની કાર્યકર રહ્યા છે. 2002ના કોમી તોફાનો ફાટી નિકળ્યા ત્યારે ભાવનગરની એક મદ્રેસાને તોફાની ટોળાએ ઘેરી લીધી હતી. આ સમયે ખુદ રાજેન્દ્રસિંહ રાણાએ ભાવનગરના ડીએસપી રાહુલ શર્માને ફોન કરી મદ્રેસામાં રહેલા મુસ્લિમ બાળકોને બચાવવા જણાવ્યું હતું. જોકે ભાજપની કડક વિચારધારામાં માનનારા અનેક નેતાઓને રાજેન્દ્રસિંહ રાણાનો આ વ્યવહાર પસંદ આવ્યો ન્હોતો.


 

 

 

 

 

આ ઉપરાંત રાજેન્દ્રસિંહ રાણાને ભાજપ પ્રદેશના પૂર્વ મહામંત્રી અને સંઘના સ્વયંસેવક સંજય જોશી સાથે અત્યંત નજીકનો નાતો આજ સુધી રહ્યો છે. સંજય જોશી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે રાજેન્દ્રસિંહ રાણાને અચુક મળવા આવે. આમ નરેન્દ્ર મોદી જે સંજય જોશીને પસંદ કરતાં નથી તેમની સાથે રાજેન્દ્રસિંહે રાખેલી મિત્રતા અનેકોને ખટકી હતી. જેને પરિણામ એક સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ રહેલા રાજેન્દ્રસિંહ રાણાની ક્રમશઃ સક્રિય રાજકારણમાંથી બાદબાકી થવા લાગી.

આમ લગભગ બે દાયકા જેટલો સમય થયો, ભાજપની નવી પેઢીના કાર્યકરોને રાજેન્દ્રસિંહ રાણાનું નામ પણ ખબર ન હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ, પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ પદ્દે સી આર પાટીલે કમાન સંભાળ્યા પછી, કોઈકના ગમા અણગમાને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા ભાજપના નાના મોટા નેતાઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેઓ ફરી સક્રિય રાજકારણમાં સામેલ થાય તેવા પ્રયાસો તેમણે કર્યા અને કેટલાક નેતાઓને સંગઠનમાં સ્થાન પણ આપ્યું. તાજેતરમાં ભાવનગરના પ્રવાસે ગયેલા સી આર પાટીલના સમારંભમાં મંચ ઉપર બેઠેલા રાજેન્દ્રસિંહ રાણાને જોતા જ સીઆર પાટીલે નીચે વળી તેમના ચરણ સ્પર્શ કર્યા. જોકે એક ક્ષણ માટે તો ખુદ રાજેન્દ્રસિંહ પણ સમજી શક્યા નહીં કે શું થયું, પણ પછી તેમણે તરત પાટીલનો હાથ પકડી તેમને ઊભા કર્યા હતા.

રાજેન્દ્રસિંહ રાણાને ભેટી પડતાં પાટીલે આદર પૂર્વક કહ્યું હતું કે બાપુ અમે તમારી તોલે ક્યારેય આવી શકીએ નહીં. આમ રાજેન્દ્રસિંહ રાણાને વર્ષો પછી ખોવાયેલું માન પાછું મળ્યું હોય તેવો માહોલ સમારંભમાં છવાઈ ગયો હતો.