પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): ગુજરાતમાં દારુબંધીની શું સ્થિતિ છે તે માટે હવે ભાજપના નેતાઓ જ જાહેરમાં બોલતા થયા છે. થોડા દિવસ પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એવું નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં દારુ મળતો નથી તેવું કહું તો હું ખોટો પડું. હવે ભાવનગરના ભાજપના જ ડેપ્યૂટી મેયર અશોક બારૈયાએ ભાવનગરના એસપીને પત્ર લખી ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં જાહેરમાં દારુ મળતો હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ડે. મેયર અશોક બારૈયાએ અનેક વખત ભાવનગર પોલીસ સામે ફરિયાદ કરી હોવા છતાં તેનું કોઈ પરિણામ ન આવતા તેમણે ડીએસપીને પત્ર લખી પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, બોરતળાવ વિસ્તારમાં માલધારી સોસાયટી પાસે દેશી અને ઈંગ્લીશ દારુનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે, દારુ લેવા આવનારની અહીં ભીડ લાગે છે. ઓટો રિક્ષાઓની પણ કતાર લાગે છે. તેના કારણે ટ્રાફીક જામ પણ થાય છે. આસપાસમાં રહેણાંક વિસ્તાર છે ત્યાં આ રસ્તેથી યુવતીઓ-સ્ત્રીઓ પણ પસાર થાય છે તેના કારણે તેમની સલામતીનો પણ પ્રશ્ન ઉદ્ભવે છે. આમ છતાં પોલીસે આ દારુંનું વેચાણ બંધ કરાવવા કોઈ પગલા લીધા નથી. મારી માગણી છે કે, તાત્કાલીક આ દારુનું વેચાણ બંધ કરાવી તેમાં સંડોવાયેલા લોકોની નસીયત કરવામાં આવે.

રાજ્યમાં દારુબંધીના કડક અમલ માટે પ્રદીપસિંહ જાડેજાના દાવાઓ સામે ભાજપના જ નેતાઓ પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે. ડે. મેયર અશોક બારૈયાએ આ ફરિયાદની એક નકલ પ્રદીપસિંહ જાડેજાને પણ મોકલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ આ જ વિસ્તારમાંથી ચૂંટાય છે. જોકે ભાવનગર પોલીસનો મોટાભાગનો સમય જીતુ વાઘાણીના કટ્ટર વિરોધી દાનસંગ મોરીને કયા કેસમાં ફીટ કરવા તેમાં જ વ્યતિત થાય છે. હાલમાં દાનસંગ મોરીને હાઈકોર્ટે રાહત આપી હોવા છતાં, પોલીસ અને વહીવટી તંત્ર જાણે બીલોરી કાચ લઈ દાનસંગ મોરીને કાયદાની જાળમાં ફસાવી શકાય તેવા મુદ્દા શોધી રહી છે.