મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ ભાવનગરના ભંડારિયા ગામના મૂળ રહેવાસી અને આસામમાં લશકરના જવાન તરીકે દેશની સેવા કરતાં અંતિમ શ્વાસ લેનાર ભંડારિયા ગામના યુવાનનો નશ્વરદેહ આવતીકાલે રવિવારે ભાવનગર ખાતે લાવવામાં આવશે. તે આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા તેઓએ પ્રાણ ત્યજી દીધા હતા. તેઓ મૂળ ભંડારિયા ગામના વતની હોવાથી આવતીકાલે તેમના દેહને વતનમાં જ અંતિમવિધિ કરવામાં આવનાર છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ પરિવારના લોકો પણ એ પ્રમાણે આ અંતિમવિધિમાં જોડાશે.

ભાવનગરના ભંડારિયા ગામના સપૂત ગોહિલ શક્તિસિંહ ગજેદરસિંહ આર્મીમાં આસામ યુનિટ (Unit :656 EME BN, Loc: Lekhabali, Dist: Dhemaji, ASSAM. C/o 99 APO)માં હતા. તેમના અચાનક થયેલા નિધનને પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે. તેમના વીરગતિના સંદેશ ગામમાં પહોંચતા જ ગામના લોકો પણ ગમગીન બન્યા છે. આ અંગે કોંગ્રેસના નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ઘણા દુઃખની વાત છે કે અરુણાચલમાં ફ્રંટ લાઈનમાં ડ્યૂટી કરતી વખતે તે શહીદ થઈ ગયા. હું રાજનાથ સિંહજીને વિનંતિ કરું છું કે વીર શહીદના પાર્થિવ દેહને ગુજરાતમાં તેમના ગામમાં ચાર્ટર્ડ ફ્લાઈટથી લાવવાની વ્યવસ્થા કરે. ઉલ્લેખનીય છે કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 2 તારીખે છે અને 3 તારીકે રક્ષાબંધન છે. તેમનો હાથ સુનો જ રહી ગયો હતો. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા જવાનોના ઘણા તહેવારો પરિવાર સાથે નહીં પણ દેશ સેવા સાથે જ મનાવતા હોય છે. તેમના માટે રાખડીઓ, દીવા, ઈદી વગેરે બધુ માત્ર માતૃભૂમિ જ હોય છે, પણ આ જવાનનો દેહ જ્યારે રક્ષાબંધનના એક દિવસ પહેલા જ અંતિમવિધિ પામશે ત્યારે એ આખરી તહેવાર બધાને રડાવી દેશે...