મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનદરઃ વિવિધ નેતાઓની મૂર્તિઓ સાથે ચેડા કરીને રાજકીય લાભ લેવાના અને લોકોને ઉશ્કેરવાના પેંતરાઓ અગાઉ ઘણીવાર વપરાઈ ગયા. જ્યારે ઘણી એવી પણ ઘટનાઓ બની કે જેમાં મૂર્તિઓ સાથે અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ચેડાને કારણે વાતાવરણ ડહોળાયું હોય. હાલમાં ભાવનગરના સિહોર ખાતે આંબેડકર ચોક પર મુકવામાં આવેલી આંબેડકરની મૂર્તિના મોંઢા પર ડોલ કોઈ શખ્સ દ્વારા ઉંધી વાળી દેવામાં આવી હતી. એટલું જ નહીં મૂર્તિની બાજુમાં દારુની બોટલ પણ મુકી દીધી હતી.

આ પ્રકારે મૂર્તિનું મોંઢુ કાળી ડોલ દ્વારા ઢાંકી અને બાજુમાં દારૂની બોટલ મુકીનાર શખ્સ કયા ઈરાદા ધરાવતો હતો તે જો જાણી શકાયું નથી કારણ કે આ કોનું કૃત્ય છે તે હજુ સામે આવ્યું નથી, પરંતુ જે લોકોને બાબ સાહેબ પર લાગણી છે તે આ દ્રશ્ય જોઈને લાલઘૂમ થઈ ગયા હતા. દલિત સમાજના કેટલાક લોકો તો તુરંત દોડી આવ્યા અને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ ઢાંકેલી ડોલ કાઢી નાખી હતી અને જગ્યાને સાફ કરી હતી. ઉપરાંત તેમણે પોલીસને પણ જાણ કરી હતી. તેમણે પોલીસ સમક્ષ આ કૃત્ય આચરનાર દુષ્ટ વ્યક્તિ સામે તુરંત પગલા લેવાય તેવી માગ કરી હતી. તેમણે આ સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી કે જ્યાં સુધી આ શખ્સ નહીં પકડાય ત્યાં સુધી તેઓ પ્રતિમા પાસે જ રહેશે. સ્વાભાવીક પણે આજે પણ દલિત સમાજમાં આંબેડકરને એક ભગવાનની જેમ પૂજાય છે તો આવા સંજોગોમાં તેમની લાગણી દૂઃભાય તે સ્વાભાવીક હતું. પોલીસે પણ તેમને આશ્વાસન આપ્યા છે સાથે જ હવે આ ઘટનાના પડઘા વધુને વધુ લોકો સુધી પડી રહ્યા છે. સાથે જ આ ઘટનામાં કોઈ રાજકારણ રમી રહ્યું છે કે પછી કોઈ અસામાજિક તત્વનું કારસ્તાન છે તે અંગે પ્રશ્નો અને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.