મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર : જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નરાધમ શખસે ઘરમાં ઘુસી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. આટલેથી ન અટકતા આ શખ્સે મહિલાનું ગળું દબાવી તેના સંતાનને મારી નાખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઇ વલ્લભીપુર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. અને કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

બનાવ અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન તાબાના એક ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અજાણ્યો શખસ ઘરમાં ઘુસી ગયો હતો અને મહિલા સુતી હતી, ત્યારે તેનું ગળું દબાવી બાજૂમાં રહેલ તેના સંતાનને પણ મારી નાંખવાની ધમકી આપી મહિલાની મરજી વિરૃદ્વ તેના પર બળાત્કાર ગુજારી મહિલા પાસે રહેલ રૂપિયા 11,800 તથા એક મોબાઇલ લઈને નાસી છૂટયો હતો.

આ ફરિયાદનાં આધારે વલ્લભીપુર પોલીસે મહિલાએ કરેલાં વર્ણનના આધારે આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને આ જ ગામના મુકેશ લાલજીભાઇ મકવાણા નામના શખ્શને ઝડપી લીધો છે. આરોપી મુકેશ લાલજીભાઇ મકવાણાએ મહિલા સાથે ઘરમાં ઘુસી મહિલાનું ગળું દબાવી બળાત્કાર ગુજારી રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી વિરૃદ્વ બળાત્કાર તથા રોકડ તથા મોબાઇલ લૂંટની કલમ અન્વયે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. મુકેશ મકવાણા અગાઉ ગુન્હાહીત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.