મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ કમલેશ તિવારીની હત્યા બાદથી પોતાને ધમકીઓ આવતી હોવાનું કહેનાર ઉપદેશ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે નબીપુર ગામ પાસે ઓવરબ્રીજ નજીક આવેલા આમલીવાલા પાસેથી તેઓ કારમાં પસાર થતાં હતા ત્યારે કોઈ શખ્સનો ફોન આવ્યો અને તે તેમને અભદ્ર ભાષામાં વાત કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને તેણે હવે ઉલ્ટી ગણતરી ચાલુ કરી દેવાની વાત કરી હતી.

મૂળ મેરઠના અને હાલ સુરતના દેલાડવા ખાતે આનંદી ટાઉનશીપમાં રહેતા ઉપદેશ સુભાષભાઈ રાણા રાષ્ટ્રીય મહાસચિવ વિશ્વ સનાતન સંઘ રાષ્ટ્રીય પ્રચારક તરીકે છેલ્લા ત્રણેક વર્ષથી કામ કરે છે. ઉપદેશ રાણા હાલ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.

તેમણે ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં તેમણે કહ્યું કે, મંગળવારે રાત્રે દસેક વાગ્યાના સુમારે હું સુરતથી મેરઠ જવા માટે મિત્ર કનૈયાલાલ બાગડાની કારમાં મારા બોડીગાર્ડ સોમિલ શર્મા સાથે નિકળ્યો હતો. દરમિયાન નબીપુર નજીક આવતા ઓવરબ્રીજ પાસે ને.હા. નં 48 પર માલીવાડા ચાચા હોટલ પાસેથી અમે પસાર થઈ રહ્યા હતા. તે વખતે અંદાજે 11.20 થઈ હતી. ત્યારે મારા ફોન પર એક ફોન આવ્યો હતો જેમાં નંબર અજીબ હતો અને તેણે મને કહ્યું કે, ઉપદેશ રાણા, બહુત બોલતા હૈ તુ, બહુત જલ્દ મરેગા. મેં દુબઈસે બોલ રહા હું. તુજે ચાર દિન મે માર દેંગે. જેથી મે તેમને પુછ્યું કે તુ કહાંસે બોલ રહા હૈ તો તેઓએ મને કહ્યું કે, દુબઈ બુર્જ ખલીફા સે બોલ રહા હું. તે પછી રાત્રે ફરી એ જ નંબર પરથી ફોન આવ્યો હતો પરંતુ મેં ફોન રિસીવ કરતાં તેણે ફોન કાપી નાખ્યો હતો.

ઉપદેશ રાણાએ આ સંદર્ભે પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.