મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ શિક્ષક વિદ્યાર્થીઓને આમ તો શિક્ષણને લગતી જાણકારીઓ આપતા હોય છે. જોકે ભરૂચના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં અશ્લિલ વીડિયો પીરસી દેતા માહોલ ગરમાઈ ગયો હતો. વિદ્યાર્થીઓના માતા પિતા આ કારણથી ખુબ ગુસ્સે ભરાઈ ગયા હતા. ઉકળી ઉઠેલા વાલીઓએ શિક્ષકને મેથીપાક આપ્યો હતો એટલું જ નહીં શાળાએ પહોંચી ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.

ભરૂચના અંકલેશ્વર ખાતેની પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતિ વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાનું જ નહીં સરસ્વતીનું પણ નામ બગાડ્યું હતું. શિક્ષકે વિદ્યાર્થીઓના ઓનલાઈન ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ માટે બનાવાયેલા આ વોટ્સએપ ગ્રુપમાં આવો વીડિયો પોસ્ટ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ લાલઘૂમ થઈ ગયા હતા. 

વાલીઓ એટલા ઉકળી ઉઠ્યા હતા કે તેમણે શાળાના તંત્ર વિરુદ્ધ વિરોધ પણ નોંધાવ્યો હતો અને શિક્ષક હાથમાં આવી જતાં તેને મેથીપાક પણ આપ્યો હતો. આ ઘટનાને પગલે જીઆઈડીસી પોલીસે તુરંત એક્શન મોડમાં આવી શિક્ષકની અટકાયત કરી લીધી હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. (કોઈપણ પ્રકારની હિંસાને મેરાન્યૂઝ સમર્થન આપતું નથી)