પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભરૂચ): કોરોનાને કારણે લોકડાઉનની જે સ્થિતિ નિર્માણ થઈ તેમાં કરોડો લોકોએ દેશમાં નોકરી ગુમાવી છે, નોકરી ગુમાવનાર તમામ માટે જીવનનિર્વાહનો પ્રશ્ન ઊભો થયો છે. જોકે નોકરી ગુમાવનાર કોઈ વ્યક્તિ ગુનાખોરીનો રસ્તો અપનાવે તેને ન્યાયી ઠેરવી શકાય નહીં પરંતુ આ દેશની વાસ્તવીક્તા છે જેને નકારી શકાય પણ નહીં. આવી જ ઘટના ગુજરાતના ભરૂચમાં બની છે. ત્રણ દિવસ પહેલા ભરૂચમાં એક જ્વેલર્સને ત્યાં ગોળીબાર કરીને 27 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી જે ગુનાનો ભેદ ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો છે અને તેના મુખ્ય આરોપી તરીકે જેની ધરપકડ કરી છે તે ભરૂચ પાસે આવેલી દહેજની એક કંપનીમાં ટેક્સટાઈલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. નોકરી છૂટતા આર્થિક સંકળામણને પગલે તેણે આ લૂંટને અંજામ આપ્યો હતો.

તા. 7 સપ્ટેમ્બરના રોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સમાં બપોરના સુમારે ચાર હથિયારબંધ માણસો ઘૂસી આવ્યા હતા અને તેમણે સોનાના દાગીના લૂંટવાની શરૂઆત કરી હતી. આ વખતે અંબિકા જ્વેલર્સના માલીક અને પડોસમાં આવેલી કલ્યાણ જ્વેલર્સના માલીકે લૂંટારૂઓનો સામનો કરતાં લૂંટારુઓએ પોતાની પાસે રહેલા દેશી તમંચામાંથી ગોળીબાર કર્યો હતો. જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.


 

 

 

 

ગોળીબાર અને લૂંટની જાણકારી ભરૂચના ડીએસપી રાજેન્દ્રસિંહ ચૂડાસમાને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર જે એન ઝાલા અને પીએસ આઈ પી એસ બરાંડાને પોતાના સ્ટાફ સહિત ટેક્નીકલ સર્વેલન્સની મદદ દ્વારા આરોપીઓને ઝડપી લેવા આદેશ આપ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચને સ્થળ ઉપરના સીસીટીવી ફૂટેજમાં જે જાણકારી મળી તેમાં આરોપીઓ અલગ અલગ વાહન ઉપર દહેજ, પાલેજ અને સુરત તરફ રવાના થયા હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના આધારે ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સને એલર્ટ મેસેજ આપી આરોપીઓના ફોટોગ્રાફ સાથેની જાણકારી પુરી પાડવામાં આવી, જેના આધારે ભરૂચ પોલીસે અંકલેશ્વર ખાતેથી આશિષ રામદેવ પાંડેને ઝડપી લીધો હતો. 48 કલાક ચાલેલા ભરૂચ પોલીસના ઓપરેશનમાં આશિષ પાંડે ઝડપાઈ જતાં પોલીસને મોટી સફળતા મળી હતી. આશિષ પાંડે દહેજની એક કંપનીમાં ટેક્સટાઈલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો પરંત લોકડાઉન દરમિયાન કંપનીમાંથી તેની નોકરી છૂટી જતાં તે સુરતની એક કંપનીમાં અડધા પગારે નોકરીએ લાગ્યો હતો. બીજી તરફ તેનો પોતાનો અને ઉત્તર પ્રદેશમાં રહેતા પરિવારનો ખર્ચો તો એ જ પ્રમાણે યથાવત રહ્યો હતો. આમ તે આર્થિક સંકળામણમાં આવી જતાં તેણે લૂંટ કરવાની યોજના બનાવી હતી. તેણે ઉત્તર પ્રદેશ રહેતા પોતાના ભત્રિજા અજયકુમાર પાંડે સહિત સુરજ યાદવ અને રિંકુ યાદવને ચાલીસ હજાર રૂપિયાના દેશી તમંચા સાથે ભરૂચ બોલાવ્યા હતા. 

લૂંટ કરવા માટે તેમણે અંબિકા જ્વેલર્સની પસંદગી કરી ત્યાર બાદ બપોરના સમયે લોકોની અવર જવર ઓછી હોય છે અને પોલીસની મુવમેન્ટ પણ ઘટી જાય છે તેવો સમય નક્કી કરી લૂંટારૂઓએ લૂંટ કરવાની યોજના બનાવી હતી. ભરૂચ પોલીસની સતર્કતા અને સફળ ઓપરેશનને કારણે ચારેય આરોપીઓ બસ દ્વારા કાનપુર જવાના હતા તે પહેલા જ રૂપિયા 27 લાખના 55 તોલાના દાગીના સહિત તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.