મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ વાગરા તાલુકાના પાણીયાદરા ગામે લોકો પીવાના પાણી માટે ઘણા દાયકાઓથી વલખા મારે છે. અહીંના લોકો માટે પીવાનું પાણી મળે તે માટે લોકો યુપીએલ કંપનીની બહાર ધરણા આપવાનો કાર્યક્રમ ઘડ્યો હતો. જોકે આ સમયે ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી પોલીસે લોકોને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો.

ઊંચા રાજકારણનો ભોગ બનેલા લોકો અવારનવાર પોતાની જરૂરિયાતો માટે રસ્તા પર આવી જતા હોય છે. આઝાદી મળી ત્યારથી હજુ સુધી ઘણા લોકો માટે પોતાની સમસ્યાઓ વર્ષો વિતતા જાય તેમ તેમ વધતી જ જાય છે. પાણીયાદાર ગામના લોકોની કમનસીબી એવી છે કે નજીકમાંથી જ નર્મદા વહે છે છતાં સ્થાનીકોને ટેન્કરનો આશરો લેવો પડે છે અને એમાંય ટેન્કર ત્રણ ચાર દિવસે એક વાર ગામમાં આવેને પાણી માટે લોકોને પોતાની એડિઓ ઘસવી પડે. જ્યાં ગુજરાત મોડલની વાતો થતી હોય ત્યાં ખરેખર આવી દયનીય સ્થિતિ જોઈ કોઈને પણ શરમ આવી જાય તેમ છે.

અહીંના લોકોનું કહેવું છે કે, આવેલી યુપીએલ કંપની દ્વારા ગામના પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી, પણ તે વાત પણ ધીમે ધીમે ભૂતકાળ બની ગઈ અને લોકો માટે તો જ્યાંના ત્યાં જેવી સ્થિતિ ઊભી થઈ. લોકો આ સમસ્યાથી એટલા કંટાળ્યા હતા કે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની જેમ અહીં પણ લોકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કરી લીધું. આજે લોકો કંપનીની બહાર ધરણા યોજવાના હતા. લોકોએ કંપની બહાર વિરોધ પ્રદર્શનો કરતાં ત્યાં પોલીસે લોકોને કાબૂમાં કરવાનું શરૂ કર્યું હતું.

લોકોના પાણી માટે ટોળા આવી ગયા હોવાની જાણકારી મળતાં પોલીસ દોડતી ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને કાબૂમાં કરવાના પ્રયત્નો કર્યા હતા. જોકે લોકો પોતાના પ્રશ્ન પર અડઘ રહેતા પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો રસ્તો અપનાવ્યો હતો.