મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચ : કોવિડ સ્મશાનમાં એક તરફ પિતાનો અગ્નિદાહ, બીજી તરફ પુત્રીનું હૈયાફાટ રૂદન - મહારાષ્ટ્રના નગપુરથી કોરોનાના કારણે દોઢ વર્ષ બાદ મળવા આવી પુત્રી, કોરોનાગ્રસ્ત પિતાનો મૃતદેહ મળ્યો - પપ્પા....પપ્પા...કહી દીકરીના હૈયાફાટ રૂદનથી ભલભલા પથ્થર દિલ માનવી પણ હચમચી ગયા.

ગુજરાતમાં કાળો કેર વર્તાવી રહેલા કોરોનાએ એક વર્ષ દરમિયાન અનેક પરિવારનો માળો પિંખી નાંખ્યો છે. ભરૂચમાં આજે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું હતું. જેમની અંતિમવિધિ દરમિયાન કોવિડ સ્મશાનમાં હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા હતા. એક દીકરી કે જે કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી પિતાને મળવા આવી શકી ન હતી. તેને જ્યારે માલુમ થયું કે તેના પિતાની હાલત નાજૂક છે તો તે તેમને મળવા પહોંચી હતી.

દીકરી પહોંચી ત્યારે તેને પિતાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે પપ્પા....પપ્પા...કહી દીકરીએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દ્રશ્યો જોઇ હાજર સૌ કોઇની આંખોના ખૂણા ભિંજાઈ ગયા હતા.


 

 

 

 

 

દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલી પુત્રીનું હૈયાફાટ રુદન જોઇને કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દીકરીને પિતા તો ના મળ્યા પણ પિતાનો મૃતદેહ પણ જોવા ન મળ્યો.

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં A-503 નંબરમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા અને તેમના પત્ની કોરોનામાં સપડાયા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિવસે દિવસે તેમની હાલત વધારે ગંભીર બની રહી હતી, જ્યારે આજે સવારે 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા કોરોના સામે જંગ હારી ગયા હતા.

કોરોના સામે જિંદગીનો જંગ હારી જતાં તેમના મૃતદેહને અંતિમ વિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો, જ્યાં કંઈક એવું બન્યું જે જોઈ ભલભલા પથ્થર દિલ માનવી પણ હચમચી ગયા હતા. નેહાને પિતા તો ન મળ્યા પણ પિતાના મૃતદેહના પણ દર્શન ન થયા કોરોનાથી મૃત્યુ પામનાર કમલ કિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહાના લગ્ન નાગપુર થયા હતા.


 

 

 

 

 

પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતા તે ભરૂચ આવવા રવાના થઈ હતી, પણ ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શુ થવાનું છે. નેહા ભરૂચ પહોંચે એ પહેલાં જ તેના પિતાએ દુનિયાને અદવિદા કહી દીધું હતું. વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઇ એમ નેહાને પિતા તો ન મળ્યા પણ પિતાના મૃતદેહના પણ દર્શન ન થયા.

નેહા પોતાના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ત્યાં પહોંચી અને પિતાની ચિતા જોઈ પોતાના આસુઓ રોકી ના શકી. નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના કરાવી દીધા હતા. દોઢ વર્ષ બાદ મળવાની આસ સાથે પિતાની છત્ર છાયા ગુમાવનાર દિકરીના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી દર્દનો ચિત્કાર ઉભો કર્યો હતો.