મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : મુળ અમરેલી પંથકની અને હાલ રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી મહિલાને  નવ દિવસ પહેલા રાજકોટથી પાવાગઢ દર્શન કરવા લઇ જવાના બહાને કારમાં બેસાડી ભરૂચના આમોદ તરફ લઇ જઇ રસ્તામાં આવતી અવાવરૂ જગ્યાઓએ કાર ચાલક શખ્સ તથા સાથેના બીજા બે શખ્સોએ ચાર-ચાર વખત ગેંગરેપ કરતાં અને બાબરાના શખ્સે વિડીયો શુટીંગ કરી કોઇને જાણ કરી તો વાયરલ કરી દેવાની ધમકી આપતાં અને અન્ય  અગિયાર શખ્સોએ મદદગારી કરતાં તમામ સામે ગુનો નોંધાયો છે.

આ ગુનાની શરૂઆત રાજકોટથી થઇ હોઇ ઝીરો નંબરની ૧૫ શખ્સો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી રાજકોટ કુવાડવા પોલીસને મોકલવામાં આવતાં તપાસ શરૂ થઇ છે. ભોગ બનનારની પુત્રવધૂ રિસામણે હોઇ અને કેસ થયો હોઇ તેમાં સમાધાન કરાવી આપવાના બહાને પરિચીતે મહિલાને છેતરી પાવાગઢ દર્શન કરવા જવાના બહાને ભરૂચ તરફ લઇ જઇ બાદમાં રસ્તામાં કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ ચાર-ચાર વખત દૂષ્કર્મ આચર્યાનો આરોપ મુકાયો છે.