મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની હાલત વધુ નાજુક થઈ ગઈ છે. તેમની આ હાલતને પગલે કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે પણ ભરતસિંહની તબીયત સારી ન હતી પરંતુ તે વખતે તેમણે ચૂંટણીમાં હાજરી આપી હતી. જોકે તે પછી તુરંત જ તેમનો રિપોર્ટ કરાવાયો તો તે પોઝિટિવ આવ્યો હતો. કોરોના હોવાની જાણકારી મળતાં તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા.

તેમને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. અહીં તેમને આઈસીયુમાં રખાયા હતા. ગઈકાલથી તેમની હાલત વધુ નાજુક થઈ ગઈ છે. તેમના શરીરમાં ઓક્સિઝન લેવલ ઓછું થઈ રહ્યું છે. જેને કારણે હવે તબીબોએ તેમને વેન્ટીલેટર પર રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. તબીબો સતત તેમની તબીયતનો રિપોર્ટ મેળવતા રહે છે. તબીબો દ્વારા તેમની સારવારમાં ક્યાંય કચાસ રહે નહીં અને તેમની તબીયત સુધરે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે.

ભરતસિંહને રાજ્યસભાની ચૂંટણી પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે પછી ઘણા નેતાઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરતસિંહ ઝડપથી સાજા થાય તે માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભરતસિંહને શ્વાસ લેવામાં તકલીફ સિવાય કોઇ સમસ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અંબાજી માતાના મંદિરે જ્યારે તેઓ ચૂંટણી પહેલા આશિર્વાદ લેવા પહોંચ્યા હતા ત્યારે તેમનું ટેમ્પરેચર હાઈ આવ્યું હતું. ત્યાં ગેટ પર તાપમાન માપી રહેલી મહિલાએ આ અંગે તેમને જણાવ્યું પણ હતું. જોકે તેમણે તે વખતે તે વાતને એટલી ધ્યાને લીધી ન હતી. 22મી જુને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને 30 તારીખે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.