મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રવિવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગે તેમણે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું, 'કોરોનાનાં શરૂઆતના લક્ષણો જોવા મળતા મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે, ડૉક્ટરોની સલાહ પર હૉમ આઇસોલેશનમાં તમામ દિશા-નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. મારી વિનંતી છે કે જે લોકો ગત કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ કૃપા કરીને પોતાને આઇસોલેટ કરીને ટેસ્ટ કરાવે.'

તમને જણાવી દઈએ કે જેપી નડ્ડા તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા. ગઈકાલે એટલે કે શનિવારે જેપી નડ્ડાને ગળામાં દુખાવો થવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં હૉમ આઇસોલેશનમાં છે. મળતી માહિતી મુજબ જેપી નડ્ડા ત્રણ દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાતે જઇ રહ્યા હતા, પરંતુ કોરોનાને કારણે તે લગભગ રદ થઈ ગઈ છે.


 

 

 

 

 

મમતા બેનર્જીએ જેપી નડ્ડા જલ્દીથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જેપી નડ્ડા જલ્દીથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, 'ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. તે જલ્દી થી સાજા અને સ્વસ્થ થાય. આવા સમયે મારી પ્રાર્થનાઓ તેમની અને તેના પરિવાર સાથે છે. '