જય અમીન (મેરાન્યૂઝ. મોડાસા): હાલનાં કળિયુગના જમાનામાં રામ રાજ્યની સુફિયાણી વાતો દરેક રાજનેતાઓ તેમના વિસ્તારમાં હોવાના બણગા ફૂંકાતા હોય છે ત્યારે ગામલોકોના સહયોગથી કઈ રીતે રામરાજ્યનું સપનું સાકાર થાય તેનું ઉદાહરણ જોવું હોય તો સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં જોવા મળે છે. સમગ્ર દેશમાં ગુન્હાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે ભંડવાલ ગામનું નામ ક્યારેય પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયું નથી. ગામમાં ક્યારેય નથી યોજાઈ સરપંચ પદ કે સહકારી મંડળીઓમાં પદ માટે ચૂંટણી તેમજ ગામમાં એકતા જળવાઈ રહે તે માટે દરેક ફળિયાના નામને  જીલ્લાઓ નામ સાથે જોડવામાં આવ્યા છે. વ્યસન તો ગામલોકો થી જોજનો દૂર છે. ગામમાં સુશાનના પગલે આઝાદીના ૭ દાયકા પછી પણ ભંડવાલ ગામ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયું નથી.

ભંડવાલ ગામમાં પ્રવેશતાની સાથે તમને તો પહેલા આ વિવિધ જીલ્લાઓના નામ જોઈને નવાઈ જ લાગશે કે એક સાથે તમામ જીલ્લા એક ગામમાં ક્યાથી.. અહિ નર્મદા, તાપી, બનાસકાંઠા, મહેસાણા જેવા ૨૮  જેટલા જીલ્લાના ના નામો ગામના ફળીયા પ્રમાણે રાખ્યા છે. જેનો શ્રેય સરપંચ નરેશ પટેલને મળે છે.  બાળકો માટે આવ્યો કારણ કે ગામના વડિલોથી લઈ બાળકો ગુજરાતના જીલ્લાના નામ યાદ રાખી શકે... જેમ સમગ્ર ગુજરાત એક જુથ બનીને રહે છે, તેમ આ ગામના લોકો પણ એક જુથ બનીને રહે છે, ક્યારેય કોઈ લડાઈ કે ઝઘડ઼ા પણ થતા નથી. ગામમાં વિકાસના કામ હોય કે અન્ય કોઈ પણ કામ સામુહિક નિર્ણય લેવામાં આવે છે. સુખ દુઃખના સમયમાં પણ ગામલોકો હંમેશા એકબીજા સાથે ખભેખભે મીલાવી ઉભા રહે છે. 


 

 

 

 

 

ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ ભંડવાલ ગામની બીજી એક ખાસીયત એ પણ છે કે અહિ જ્યારથી પંચાયત અને દુધ મંડળી અસ્તિત્વમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી કોઈ પણ પદ માટે ચૂંટણી યોજાઈ નથી. ગામના તમામ પ્રતિનિધીઓ સરપંચ કે ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તમામ લોકોને ગામ લોકો સમરસ જ ચુંટે છે તમામ લોકો એકજુથ થઇને રહે છે. 

વ્યસન મુક્તિ માટે સરકાર વિવિધ જાહેરાતો આપે છે છતા પણ યુવાનો મદિરા પાન, બીડી સીગારેટ અને તમાક સહિત મસાલાઓ ખાતા હોય છે અને પોતાનુ સ્વાસ્થ ખરાબ કરતા હોય છે. ત્યારે આ ગામમાં વ્યસન માટે પણ એક કડક નિયમ બનાવ્યો છે કે કોઈ દુકાનદાર કોઈ તમાકુ કે બીડી નુ વેચાણ કરે તો તેને ૫૦ હજાર દંડ તો કોઈ વ્યક્તિ વ્સસન કરતો ઝડપાઈ જાય તો તેને ૧૦ હજારથી વધુનો દંડ કરવામાં આવે છે અને આ નિયમને લઈને ગામલોકો હાલમાં વ્યસન મુક્ત બન્યા છે અને કઈ વ્યક્તિ હાલમાં વ્યસન પણ કરતુ નથી. લોકડાઉનમાં પણ સરકારની ગાઈડલાઈનનો સંપૂર્ણ પણે અમલવારી કરવામાં આવી હતી.