પ્રિય ભગવાન જગન્નાથ,

આમ તો તને અમારા મનનની બધી જ ખબર હોય છે, કારણ તું જગતનો નાથ છે, છતાં થયું કે આજે તને એક પત્ર લખી નાખું, આમ તો હવે કોઈ પત્ર લખતું નથી, કારણ ઈ-મેઈલ અને વોટસએપનો જમાનો છે, પણ મને ખબર નથી કે તું ઈ-મેઈલ અને વોટસએપ સાથે ફેમેલીયર છે કે નહીં એટલે થયું આપણી દેશી સ્ટાઈલમાં પત્ર જ લખી નાખું, આમ તો તે દુનિયા બનાવી પછી તારો માણસ અને દુનિયા ઘણી બદલાઈ ગઈ તેનાથી તું વાકેફ હોઈશ એટલે તે વિષય ઉપર ખાસ કઈ વાત કરતો નથી.

જગન્નાથજી આજે તારી સાથે એક ખાસ વાત કરવા માટે આ પત્ર લખી રહ્યો છું, હમણાં દેશ અને દુનિયામાં કોરોનાની જે સ્થિતિ છે તેની તો તને ખબર જ છે., માણસની બુધ્ધી -સંંપત્તી, વિજ્ઞાન અને ડાહપણ બધુ જ બહેર મારી ગયું છે, ગરીબ તો ઠીક દુનિયાના શ્રીમંતો પણ પોતાને લાચાર સમજી રહ્યા છે, ભારત તો ઠીક જગત જમાદારી કરતા અમેરિકાના નાકે પણ ફીણ આવી ગયું છે ખરેખર આ બધી ઘટનાઓમાં તું જરૂર મઝા લેતો હોઈશ, કારણ માણસોએ તારી બનાવેલી દુનિયાને પજવવામાં કઈ બાકી રાખ્યું નથી, તે આપેલા વૃક્ષોને કાપી, ઉંચી ઈમારતો, નદીઓ ઉપર મોટા ડેમ બાંઘી ખળખળ વહેલી નદીઓને રોકવાનું પાપ કર્યું છે, આમ તો માણસ કુદરત સામેના પાપની જ સજા ભોગવી રહ્યો છે.

જગન્નાથજી દુનિયાની તો ખબર નથી પણ ભારત દેશ તો ખરેખર તારા ભરોસે જ ચાલે છે, હમણાની તમામ સરકારે તો પોતાના હાથ ઉંચા કરી રીતસર અમને તારા હવાલે કરી દીધા છે, 60 દિવસના લોકડાઉની તો તને ખબર જ છે કારણ તારા મંદિરો પણ બંધ હતા, આમ પણ તને અમારી જેમ નોકરીએ જવું પડતું નથી અને અમારી જેમ ચાની કીટલી ઉપર બેસી ટોળટપ્પા કરવાની ટેવ નથી એટલે લોકડાઉનમાં ખાસ તકલીફ નહીં પડી હોય, આમ પણ તને તો વર્ક ફ્રોમ ટેમ્પલની આદત છે, અમે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું તે તો તું સદીઓથી કરે છે, મંદિરમાં બેઠા બેઠા તું જગતનું સંચાલન કરે છે. તારે કોઈ કામ માટે અને ખાસ કરી અમને મદદ કરવા માટે પણ મંદિરની બહાર નિકળવાની જરૂર નથી.

જગન્નાથજી પણ તે બનાવેલો માણસ બહુ વિચિત્ર છે, જીંદગી આખી ભૂતોની સાથે સ્મશાનમાં ભભુતી ચોળી ફરનાર ભગવાન સોમનાથના મંદિરના ધુમ્મટો ઉપર સોનાના પતરા મઢે છે, આવું ઘણું બધુ તારો માણસ તને પુછ્યા વગર તારૂ બ્રાન્ડીંગ કરે છે. માણસ માને છે કે તારૂ માર્કેટીંગ પણ જરૂરી છે, તારા માણસને સમજાવ કે હવે તારા મંદિરો બહુ થઈ ગયા, અમે જોયું કે હમણાં હોસ્પિટલ્સ ખુટી પડી એટલા દર્દીઓ આવી રહ્યા છે. ખેર માણસ મંદિર બનાવે કે નહીં પણ તને આ બધી બાબતથી ફેર પડતો નથી, છતાં હવે દર વર્ષે જેમ તું નગરચર્યાએ નિકળે તેમ તારી યાત્રા કાઢવાની તારા ભકતોએ તૈયારી શરૂ કરી છે.

જગન્નાથજી તારી યાત્રા ક્યારે આવશે તેનો અમને કાયમ ઈંતઝાર રહેતો હતો, પણ તને ખબર છે તારા અમદાવાદની સ્થિતિ સારી નથી. તારૂ ચાલે તો તું કાયમ માટે તારા મંદિરોને તાળા મરાવી ત્યાં દવાખાના અને સ્કૂલો ઉભી કરી દે, પણ મને ખબર છે વિશ્વ આખામાં તારૂ ચાલતું હશે પણ તારા મંદિરોમાં તું નિર્ણય લઈ શકતો નથી, તું નગરચર્યા કર્યા વગર પણ અમારી ખબર રાખતો હોય છે પણ આટલી સાદી સમજ તારી યાત્રા કાઢવા માગતા તારા ભકતોમાં નથી. તારી યાત્રામાં ભલે ત્રણ રથ નિકળે પણ તને ખબર છે અ્મદાવાદીઓને તારુ મોંઢું જોવાનું ઘેલુ છે, તેઓ લાખોની સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવશે, અત્યારે માણસ માણસના શરીરથી અલગ રહે તેમાં જ તેની ભલાઈ છે, પણ ભગવાન તે કેવો માણસ બનાવ્યો જેને પોતાની ભલાઈ પણ સમજાતી નથી.

જગન્નાથજી દેશની સ્થિતિ તો જો કેવી છે, સરકારોને તારો નહીં તારા ભકતોનો ડર લાગે છે, તું શું માને છે તેના કરતા તારા ભકતોનો મત વધુ મહત્વનો છે. આવું કેમ થાય છે તેની ખબર છે કારણ તારી પાસે આધારકાર્ડ નથી અને તારી પાસે વોટીંગ રાઈટ નથી, કારણ તારા ભકતો સરકારો નક્કી કરે છે તું નહીં, હા તારા નામનો ઈલેકશનમાં ઉપયોગ થાય છે ત્યારે તું ચુપ રહે છે તેનું જ આ પરિણામ છે, પણ હવે તારી યાત્રાની સરકારે તૈયારી શરૂ કરી છે, સમજાવ તારી સરકાર અને તારા ભકતોને કે કદાચ આ યાત્રા તેમની અંતિમયાત્રાનું કારણ બનશે, તું તો કણકણમાં વસે છે, નથી જરૂર તારે કોઈ વાઘાની કે મામેરાની, તું તો અમને પ્રેમ કરે છે કયારેય નારાજ પણ થતો નથી. આ વર્ષે તારી યાત્રા નહીં નિકળે તો તને માઠું લાગશે નહીં.

જગન્નાથજી પ્લીઝ સમજાવ તારા ભકતો અને સરકારને અને ખાસ કરી તારા મંદિરના ટ્રસ્ટીઓને આખી વાતને પરંપરા અને મમતનો પ્રશ્ન બનાવે નહીં, હમણાં જ રમઝાન પણ ગયો, મુસ્લિમોએ પણ મસ્જીદને બદલને નમાઝ ઘરમાં અદા કરી તેના કારણે તેમનો અલ્લાહ નારાજ થયો નથી, તેમ તારી યાત્રા નિકળશે નહીં તો તું પણ નારાજ થઈશ નહીં, પ્લીઝ ભગવાન કઈક કર નહીંતર બહુ મોડું થઈ જશે, અત્યારે તો અમે તારા ભરોસે છીએ પણ પછી તું પણ. જ્યારે વાત તારા હાથની, બહાર જતી રહેશે ત્યારે અમારી સંભાળ કોણ રાખશે, એક તારો જ આશરો છે સંભાળી લે અમને, ચાલ કદાચ તારે મારી જેમ બીજાના પત્રો પણ વાંચવાના હશે, પણ મારા પત્રનો જવાબ અચુક આપજે. હું મંદિર આવતો નથી, પણ તેને રોજ યાદ કરૂ છું તેની તને તો ખબર જ છે, રાહ જોઈશ તારા જવાબની.....

તારો,

પ્રશાંત દયાળ