ઉર્વીશ કોઠારી (મેરાન્યૂઝ.અમદાવાદ): ‘જેમ ઉત્ક્રાંતિવાદનો ઉલ્લેખ કર્યા વિના ડાર્વિનની વાત ન થઈ શકે, સાપેક્ષવાદનું નામ લીધા વિના આઇન્સ્ટાઇનની વાત ન થઈ શકે, એવી જ રીતે હિંદુ-મુસલમાન સુમેળનો મુદ્દો લાવ્યા વિના ગાંધીજીની વાત ન થઈ શકે. પણ આપણા વડાપ્રધાન હિંદુ-મુસલમાન સુમેળની સદંતર બાદબાકી કરીને ગાંધીજી વિશે ભાષણો પર ભાષણો ઠપકારે છે.’ – આ ટીપ્પણી છે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની. જાહેર બાબતોમાં સક્રિયપણે સામેલ થતા ગુહાએ ‘ઉલગુલન’ સંસ્થાના ઉપક્રમે ગાંધી અને આજના ભારત વિશે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં વક્તવ્ય આપ્યું. જાણીતા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અને મિત્રો દ્વારા સંચાલિત ‘ઉલગુલન’નો અર્થ છે અવિરત સંઘર્ષ. (આ પંજાબી ભાષાનો શબ્દ છે, એવું જાણવા મળ્યું)

સાંજે છ વાગ્યાનો કાર્યક્રમ હતો, પરંતુ સવા પાંચ-સાડા પાંચથી જ હોલ પર ગીરદી થવા લાગી હતી. ધોળાં માથાં ઓછાં ને કાળાં માથાં ઘણાં વધારે હતાં. પોલીસ દેખાય એવી સંખ્યામાં હતી અને આયોજકોએ ગુહાની સલામતી માટે પણ પૂરતી અને આગોતરી કાળજી લીધી હોય એવું બાઉન્સરોની હાજરી પરથી જણાતું હતું.  શરૂઆતમાં યજમાન આનંદ યાજ્ઞિકે ભૂમિકા બાંધી અને યુવા અભ્યાસી શારીક લાલીવાલાએ ગુહાની કામગીરી તથા સિદ્ધિઓનો ખ્યાલ આપીને માહોલ બાંધ્યો, ત્યારે લગભગ સાતસો બેઠકોની ક્ષમતા ધરાવતો આખો હોલ ભરાઈ ગયો હતો. (બેઠકોની સંખ્યામાં થોડી ભૂલચૂક લેવીદેવી). ગાંધી આશ્રમની બહાર યોજાયેલા CAA-વિરોધી પ્રદર્શનની જેમ હોલમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હતાં.

રામચંદ્ર ગુહાએ તેમની લાક્ષણિક શૈલીમાં, વક્તવ્ય કળાને બદલે વિષય પર ધ્યાન આપીને, અવાજના અનિયમિત ચઢાવઉતાર સાથે, લગભગ વાતચીત કરતા હોય એવા અંદાજમાં પોણો કલાક રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. ત્યાર પછી શારીક લાલીવાલાએ શ્રોતાઓ તથા ગુહા વચ્ચે સેતુ બનીને, અભ્યાસ ઉપરાંત રમુજના ચમકારા સાથે, ચાળીસેક મિનિટમાં સવાલજવાબનો દૌર ચલાવ્યો. રામચંદ્ર ગુહાના વક્તવ્ય અને તેમની સાથેના સવાલજવાબમાં આવેલા કેટલાક મહત્ત્વના મુદ્દાનો સાર (ભાવાનુવાદ સાથે)

સ્વરાજની ઈમારતના ચાર પાયા

ગુહાએ કહ્યું કે ગાંધીજીએ સ્વરાજની ઇમારતના ચાર થાંભલા ગણાવ્યા હતાઃ

૧) અસ્પૃશ્યતા નિવારણ. વ્યાપક અર્થમાં કહીએ તો, સામાજિક ન્યાય. 

૨) હિંદુ-મુસલમાન એકતા. બહોળા અર્થમાં, વિવિધ ધર્મો વચ્ચેનો સુમેળ અને ભાષાવૈવિધ્ય

૩) અહિંસા

૪) ખાદી એટલે કે આર્થિક સ્વાવલંબન

ગાંધીજીએ કહ્યું હતું કે આ ચારમાંથી એક થાંભલો ડગશે, તો તેની અસર ચારેય પર થશે અને ઇમારત નબળી પડશે. આ ચારેય મુદ્દાની થોડી વાત કરીને, વર્તમાનમાં તેમની શી સ્થિતિ છે, એનું જાડું સરવૈયું ગુહાએ કાઢ્યું.

સૌથી પહેલાં તેમણે વાત કરી આર્થિક સ્વાવલંબનની. તેમાં પર્યાવરણનો મુદ્દો છેડીને કહ્યું કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઊભો થયો ન હોત, તો પણ પર્યાવરણ ક્ષેત્રે ભારતની હાલત ગંભીર જ હોત. કારણ કે ભારતની નદીઓ ‘બાયોલોજિકલી ડેડ’ છે. (મરી પરવારી છે) હવાનું પ્રદૂષણ અને રાસાયણિક પ્રદૂષણ ચિંતાજનક છે. આ સ્થિતિ માટે તેમણે ૧૯૭૦ પછીની તમામ સરકારોને જવાબદાર ગણાવી. વડાપ્રધાનોમાં એક માત્ર ઈંદિરા ગાંધીએ અડધાંપડધાં પગલાં લીધાં ને ચાળીસેક વર્ષથી સ્થપાયેલા પર્યાવરણ મંત્રાલયમાંથી કંઈક ઠેકાણસરના એક માત્ર મંત્રી તરીકે તેમણે જયરામ રમેશને યાદ કર્યા. ઈંદિરા ગાંધીએ પણ અધકચરાં પગલાં જ લીધાં. (ગુહાની કારકિર્દી અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે શરૂ થઈ. પછી તેમણે પર્યાવરણના મુદ્દાનો પણ અભ્યાસ કર્યો ને પુસ્તક લખ્યાં)

સામાજિક ન્યાયના મુદ્દે તેમણે ટૂંકો ઈતિહાસ આપીને ગાંધીજીની વૈચારિક ક્ષિતિજો કેવી રીતે વિસ્તરતી ગઈ એ દર્શાવ્યું. ગાંધીજી લંડન ભણવા ગયા ત્યારથી એ પ્રક્રિયા શરૂ થઈ. પછી દક્ષિણ આફ્રિકામાં તે આગળ વધી. ગાંધીજી-કસ્તુરબા પોલાક દંપતી સાથે રહેતાં હતાં. મીલીએ ગાંધીજીને સ્ત્રીઓના અધિકાર વિશે સભાન કર્યા. ભારતમાં ગાંધીજીનાં સાથીદારોમાં સરોજિની નાયડુ જબરદસ્ત મહિલા હતાં. ૧૯૨૨માં અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસમાં ગાંધીજી સામે રાજદ્રોહનો કેસ ચાલ્યો, ત્યારે સરોજિની નાયડુ પહેલી લાઇનમાં બેઠાં હતાં. લોકશાહીની સદીઓ જૂની પરંપરા ધરાવતા કોઈ પાશ્ચાત્ય દેશમાં સ્ત્રીને જિલ્લા સ્તરે નેતા ન બનાવાતી, એવા સમયે ૧૯૨૫માં સરોજિની નાયડુ કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં હતાં. ૧૯૨૮ના નહેરુ રીપોર્ટમાં એવા સમયે સૌને મતાધિકારની વાત કરવામાં આવી, જ્યારે સુધરેલા ગણાતા પશ્ચિમી દેશોમાં સ્ત્રીઓ કે મજૂર વર્ગના મતાધિકારનું ઠેકાણું ન હતું. એવી જ રીતે, પછીનાં વર્ષોમાં (સમાજવાદી આગેવાન) કમલાદેવી ચટ્ટોપાધ્યાય આવ્યાં.

એક વાત પર ગુહાએ સતત ભાર મૂક્યો કે ગાંધીજી સામે મહિલાવિરોધી, પુરુષસત્તાક, દલિતવિરોધી જેવા અનેક આરોપ થાય છે. પણ એમ કરનારા ગાંધીજીએ આ બાબતોમાં સાધેલી પ્રગતિ અને તેમની પરિવર્તનશીલતા જોઈ શકતા નથી. ગાંધીજીનું બધું જેમનું તેમ વખાણવાની જરૂર નથી. સાથોસાથ, વર્ષો જતાં તેમના અભિપ્રાયોમાં આવતું પરિવર્તન પણ નોંધવું રહ્યું. ભારતના બંધારણમાં ઉત્તમ મૂલ્યોનો સમાવેશ થયો, તેના માટે ગાંધીજીની પ્રેરણા ઘણી હદે જવાબદાર હતી. બાકી, પ્રજાની લાક્ષણિકતા જોયા પછી એક વિદ્વાને ભારતીયો માટે ‘હોમો હાયરાર્કીઅસ’ (હાયરાર્કી-ઊંચનીચના ભેદભાવ ધરાવતી આખી જુદી જ પ્રજાતિ) જેવો પ્રયોગ કર્યો હતો, એ ગુહાએ યાદ કર્યો.

અહિંસાના મુદ્દે તેમણે કહ્યું કે ગાંધીજીએ ફક્ત કાર્યોમાં નહીં, શબ્દોમાં અને કાર્યોમાં અહિંસાની વાત કરી. ગૃહમંત્રી દ્વારા, તેમનાથી નીચલા સ્તરના મંત્રીઓ દ્વારા અને ઘણી વાર વડાપ્રધાન દ્વારા વપરાતી ભાષા સાથે ગાંધીજીને અંજલિઓ આપતા રહેવામાં કેવો વિરોધાભાસ છે, એનો તેમણે ઉલ્લેખ કર્યો.

હિંદુ-મુસલમાન સુમેળ અંગે તેમણે કહ્યું કે ગાંધીજી આ કામ માટે જીવ્યા અને છેવટે તેમની હત્યા પણ એ જ કારણ માટે થઈ. એટલે, આ મુદ્દો ઉલ્લેખ્યા વિના ગાંધીજીની વાત થઈ જ શકે નહીં, પરંતુ ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સે વડાપ્રધાન મોદીનો ગાંધીજી વિશેનો લેખ પ્રગટ કર્યો, તેમાં બાકી બધી વાતો હતી—સ્વચ્છતા મિશન ને એવું બધું. પણ હિંદુ-મુસલમાન સુમેળની વાત ન હતી.

CAA અતાર્કિક, અનૈતિક અને કસમયનો છે

હિંદુ-મુસલમાન સુમેળની વાત કરતાં પહેલાં તેમણે નામજોગ અત્યારના સૌથી ચર્ચાસ્પદ એવા સીએએની વાત કરી અને તેના માટે ત્રણ વિશેષણ વાપર્યાં : ઇલલોજિકલ, ઇમમોરલ એન્ડ ઇલટાઇમ્ડ. ‘ઇલલોજિકલ’ કારણ કે તેમાં શ્રીલંકાના (હિંદુ અને ખ્રિસ્તી) તમિલોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ‘ઇમમોરલ’ કારણ કે તેમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. અને CAAને અમિત શાહ જેની વારેઘડીએ ધમકી આપ્યા કરે છે તે NRC સાથે મૂકવામાં આવે, તો તે ભારતભરના મુસ્લિમોને ભયજનક તથા અસલામતીપ્રેરક લાગી શકે. ‘કસમય’નો એટલે કે દેશમાં આર્થિક સહ્તિની બીજી અનેક સમસ્યાઓ વધારે મહત્ત્વની છે. ઇશાન ભારતનાં રાજ્યોનું ગાડું માંડ ચીલે ચડ્યું હતું, તે આ સરકારની નીતિઓથી ફરી ઠેરનું ઠેર આવી ઊભું છે.

એ સવાલોમાં એક સવાલ એવો આવ્યો કે તમે એને અત્યારે કસમયનો ગણાવતા હો, તો તેના માટે કોઈ યોગ્ય સમય હોઈ શકે? ગુહાનો જવાબ હતો કે કસમયનો કહેવા પાછળનો આશય એ હતો કે ધારો કે એ તાર્કિક અને નૈતિક હોત તો પણ તેનો સમય બરાબર ન હતો. તેમણે કહ્યું કે ગાંધીજી ન હોત તો પણ, કોઈ પણ ઠેકાણસરનો, ઉન્નત નાગરિક CAAનો વિરોધ કરત. ગુહાએ ભારપૂર્વક કહ્યું કે સર્વોચ્ચ અદાલત આવા અન્યાયી કાયદાને કોઈ કારણસર બહાલી આપે તો પણ નાગરિકોએ તેનો અહિંસક વિરોધ ચાલુ રાખવો જોઈએ.

આઝાદ ભારતના ઇતિહાસમાં ચોથી આફત

ગુહાએ કહ્યું કે ઇતિહાસકાર તરીકે મને ‘બધું રસાતાળ જશે’ (અપોકેલીપ્સ) અને ‘અહીં જ સ્વર્ગ ઉતરી આવશે’ (યુટોપિઆ)—એવા બંને દાવા તરફ શંકાની નજરે જોવાનું મને શીખવવામાં આવ્યું છે. એટલે વર્તમાન સ્થિતિને હું અભૂતપૂર્વ આફત ગણતો નથી. અગાઉ ત્રણ વાર દેશ આવા ગંભીર સંકટમાંથી પસાર થઈ ચૂક્યો છે. (૧)૧૯૬૦ના દાયકાના પૂર્વાર્ધમાં ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે (૨) ૧૯૭૫ની કટોકટી વખતે (૩) ૧૯૮૦ના અંત અને ૧૯૯૦ની શરૂઆતમાં ઠેકઠેકાણે થયેલાં કોમી તોફાનો વખતે. ગુહાના કહેવા પ્રમાણે, આ ચોથો પ્રસંગ છે અને લોકો લોકશાહીની-વૈવિધ્યની તાકાત વડે તેમાંથી પણ પાર ઉતરશે.

વાંધો એ નથી કે RSSએ આઝાદીની લડાઈમાં ભાગ ન લીધો

RSSએ આઝાદીની લડાઈમાં કેવો ને કેટલો ભાગ લીધો હતો? એવા સવાલનો ગુહાએ આપેલો જવાબ હતો, લગભગ નહીંવત્. ઓલમોસ્ટ ઝીરો. એટલે તો તેમને ઓલ્ટરનેટીવ આઇકોનોગ્રાફી—સમાંતર નેતાગીરી ઉછીની લાવવી પડે છે. ગાંધીજી સાથે મતભેદ ધરાવતા ભગતસિંઘ અને સુભાષચંદ્ર બોઝને તે લઈ આવે છે. એ બંને નેતાઓ ગાંધીજી સાથે હિંસા-અહિંસાના મુદ્દે અસંમત હતા, પણ હિંદુ-મુસલમાન સુમેળ બાબતે સુભાષચંદ્ર બોઝ, ભગતસિંઘ અને ગાંધીજી સરખા વિચાર ધરાવતા હતા. (એ વાત RSS ભૂલાવી દે છે)

તેમણે કહ્યું કે RSSએ આઝાદીની લડતમાં ભાગ ન લીધો, એ મુદ્દે હું તેની ટીકા કરતો નથી. (I don’t hold it against RSS). એમ તો આંબેડકરે પણ આઝાદીની લડતમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમની વેલ્યુ સીસ્ટમ શી હતી ને RSSની શી છે? આફતના સમયે RSSની સેવાપ્રવૃત્તિઓ અંગે પુછાયેલા સવાલના જવાબમાં ગુહાએ કહ્યું કે એ તેમાં સાચા સેવાભાવી માણસો હશે ને સેવા પણ સાચી. પરંતુ આવી સેવા તો ઇઝરાઇલમાં ‘હમાસ’ પણ કરે છે અને બીજાં આ પ્રકારનાં સંગઠનો પણ કરે છે. એનાથી તેમની વિચારધારા યોગ્ય ગણાવી ન શકાય.

ઇઝરાઇલને તેમણે અન્ય એક પ્રસંગે પણ યાદ કરીને કહ્યું કે ભારત ઇઝરાઇલમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે. તેનો કેસ જુદો છે. તે નાનો દેશ છે અને યહુદીઓને ઐતિહાસિક રીતે અભૂતપૂર્વ ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. છતાં, ભારતે ઇઝરાઇલમાંથી શીખવું જ હોય તો ત્યાં સર્વોચ્ચ અદાલતને કે યુનિવર્સટીઓને કે પ્રસાર માધ્યમોને મળેલી સ્વતંત્રતામાંથી ધડો લેવા જેવો છે. ત્યાં સરકાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો નક્કી કરતી નથી.

ગાંધી-આંબેડકર સાથે આવ્યાનો આનંદ

ગાંધીજીનું વિગતવાર જીવનચરિત્ર લખનાર ગુહાએ ડો. આંબેડકર વિશે પણ યથાયોગ્ય ભાવ પ્રગટ કર્યો. કેરળના દલિત સુધારક નારાયણગુરુને અને મહારાષ્ટ્રના જોતિબા ફુલેને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીજી જ્ઞાતિના મુદ્દે ધીમેથી આગળ વધતા હતા. તેમના પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં સ્વરાજના ચારમાંથી બે પાયા—અહિંસા અને હિંદુ-મુસલમાન એકતા— વિશે વિગતે લખાણ છે, પણ અસ્પૃશ્યતા અને દલિત પ્રશ્નની વાત તેમાં મળતી નથી. ‘હિંદ સ્વરાજ’ને પવિત્ર ગ્રંથ સમકક્ષ ન ગણવું જોઈએ, એમ કહીને તેમણે ડોક્ટરો વિશેના ગાંધીજીના નકારાત્મક અભિપ્રાયો અને તેમને મળેલા આધુનિક તબીબી સુવિધાઓના લાભનો અછડતો ઉલ્લેખ કર્યો હતો.

ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે દેખીતા મતભેદ છતાં, આપણને તે બંનેનો ખપ છે એ વાત ગુહાએ ભારપૂર્વક કહી. તેમણે કહ્યું કે દલિતોના મુદ્દે ગાંધીજીની ભૂમિકામાં આવેલા ક્રમિક પરિવર્તનમાં આંબેડકરનો મહત્ત્વનો ફાળો હતો. એવી જ રીતે, આટલા રૂઢિચુસ્ત સમાજમાં ડો.આંબેડકર જે કંઈ કરી શક્યા અને તેમને અમુક રીતે સાંખી લેવામાં આવ્યા, એવું વાતાવરણ સર્જવામાં ગાંધીજીની મહત્ત્વની ભૂમિકા હતી. ગુહાએ કહ્યું કે આંબેડકરને ગાંધીવાદીઓએ ઘણા વખત સુધી ખરાબ ચીતર્યે રાખ્યા. છેક ૧૯૯૦ના દાયકા સુધી. અરુણ શૌરીએ આંબેડકર વિશેનું એક શોચનીય/Lamentable પુસ્તક લખ્યું હતું. ઘણા આંબેડકરવાદીઓ ગાંધીજીના વિચારોમાં આવેલું પરિવર્તન ધ્યાનમાં લેતા નથી.

CAA-વિરોધી પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓ ગાંધી અને આંબેડકરને સાથે લઈ આવ્યા, એ બહુ મોટું કામ થયું.

ગાંધીજીની વાત કેવી રીતે આગળ લઈ જવાય?

યંત્રવત્ રીતે કે આંખ મીંચીને (મિકેનીકલી કે બ્લાઇન્ડલી) ગાંધીજીનું અનુસરણ ન થાય. ગુહાએ કહ્યું કે આજની ઘણી બાબતો વશે ગાંધીજીએ તેમના સમયે વિચાર્યું નહીં હોય. એટલે ગાંધીજી મહાન ખરા, પણ એ એકલા જ મહાન, એવું નહીં. ગાંધીજીએ આપણને નૈતિક માળખું ચીંધી આપ્યું. તેને સાકાર કરવા માટે આપણે ગાંધીજી ઉપરાંત બીજા લોકોના વિચાર પણ લેવા જોઈએ. એવી જ રીતે, જેન્ડર (લિંગભેદ) અને કાસ્ટ (જ્ઞાતિભેદ) જેવા મુદ્દે ગાંધીજીનું મૂલ્યાંકન કરતી વખતે તેમના સમયને પણ ધ્યાનમાં લેવો પડે. તેમના સમયમાં તેમનું મૂલ્યાંકન કરવું પડે. એક વિદેશી અભ્યાસીની ટીપ્પણી ગુહાએ યાદ કરી, ‘તમને ગાંધી બહુ સસ્તામાં મળી ગયા છે. એટલે તમને એમની કિંમત નથી.’

એકાદ વર્ષ પહેલાં રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટીના ગાંધી સ્ટડીઝનો અભ્યાસક્રમ ભણાવવા આવે, એવા પૂરા સંજોગો હતા. પણ રાજકીય (સરકારી) દોરીસંચારના પગલે એ આયોજનની કસુવાવડ થઈ. એ બાબતે સવાલ પૂછાવા છતાં, તેને અંગત ગણાવીને ગુહાએ કશી ટીપ્પણી ન કરી. ઉપરથી સરકારી દબાણો ધરાવતી સંસ્થાઓની સ્થિતિ વિશે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે તમે અમદાવાદ યુનિવર્સિટીને ટેકો આપજો.

ગાંધી આશ્રમ-ગુજરાત વિદ્યાપીઠની નિષ્ક્રિય છે, એવી કાર્યક્રમના આરંભે જ આનંદ યાજ્ઞિકે કરેલી ટીપ્પણી અંગે સવાલજવાબના સમયમાં સાબરમતી આશ્રમના સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્ર્સ્ટી કાર્તિકેય સારાભાઈએ સ્પષ્ટતા કરી. તેમનો મુદ્દો હતો કે બધી સંસ્થાઓની નક્કી કરેલી અને જુદી જુદી ભૂમિકા છે. માટે, વ્યક્તિગત ધોરણે ટ્રસ્ટીઓ અભિપ્રાય રજૂ કરી શકે, પણ ‘ગાંધી આશ્રમ’ તરીકે એટલે કે ગાંધીજીના વિચારના પ્રતિનિધિ તરીકે કોઈ કશી પ્રતિક્રિયા ન આપી શકે. (એમ કરવું એ ધૃષ્ટતા ગણાય) કાર્તિકેયભાઈએ કહ્યું કે એ અર્થમાં હું, તમે, આપણે બધા ગાંધી આશ્રમ છીએ. ભૂતકાળમાં Collected Works of Mahatma Gandhiના સો ખંડોમાં કેવાં ચેડાં થયાં હતાં અને દીનાબહેન પટેલે તેને સુધારવાનું કામ કર્યું, તેનો પણ ટૂંકો ઉલ્લેખ કર્યો.  રામચંદ્ર ગુહાએ તેમની દલીલ માન્ય રાખી અને કહ્યું કે કામ સરસ જ છે, પણ તમારે સૌએ વડાપ્રધાનને (આશ્રમથી) જરા છેટા (at arms length) રાખ્યા જેવા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવવામાં ગાંધીનો બહુ ઉપયોગ કરી લીધો છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ CAA-વિરોધી પતંગ ચગાવ્યા, તેમાં પોલીસ આવી પડી, તેની પણ ગુહાએ ટીકા કરી.

ગુહાનાં પત્ની કુંવારાં હતાં અને NIDમાં ભણતાં હતાં, ત્યારે ગુહા તેમને મળવા અવારનવાર અમદાવાદ આવતા. (૧૯૭૯ આસપાસ) ત્યારનાં માણેકચોકનાં, એલિસબ્રિજનાં, નળ સરોવરનાં સંસ્મરણો તાજાં કરીને ગુહાએ કહ્યું કે મોદી-શાહ પહેલાં પણ ગુજરાત હતું ને તેમના પછી પણ રહેવાનું છે. એ આપણે યાદ રાખવું જોઈએ.

અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂકવાળી ઘટના પછી, CAA-વિરોધી પ્રદર્શનોમાં બેંગ્લોરની સડક પર એક પાટિયું લઈને ઊભેલા ગુહાની પોલીસે થોડા સમય માટે ધરપકડ કરી, તેની વિડીયોથી ઘણી ટીકા થઈ હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઇતિહાસકારનું શાંતિપૂર્ણ-અહિંસક વિરોધ પ્રદર્શન ખમી ન શકે, એ તે કેવી સરકાર? છતાં, તમામ પ્રકારની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદના કાર્યક્રમને આયોજકોએ અર્ધજાહેર રાખ્યો હતો. સામાન્ય રીતે કરવામાં આવે એવા સોશિયલ મિડીયા સહિતના વ્યાપક પ્રચારપ્રસારથી દૂર રહીને, મિડીયાને પણ સલામત અંતરે (કે બાકાત) રાખીને, પાસ થકી જ એન્ટ્રી મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ શ્રોતાઓની હાજરી પર તેની જરાય અસર ન વરતાઈ. બે કલાકનો આખો કાર્યક્રમ સરસ રીતે પાર પડ્યો અને શ્રોતાઓને ચર્ચા-વિચારના ઘણા મુદ્દા મળ્યા. એ તેની મોટી સફળતા ગણાય.