રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો; અને તેમને લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. સ્વતંત્રતા સેનાની બાબા રણધિરસિંહ પણ લાહોર જેલમાં હતા. તે ધાર્મિક વ્યક્તિ હતા. એને એ જાણીને બહુ જ દુખ થયું કે ભગતસિંહને ઇશ્વર ઉપર વિશ્વાસ નથી ! રણધિરસિંહ કોઈક રીતે ભગતસિંહની કોટડી સુધી પહોંચવામાં સફળતા મળી અને તેમણે ભગતસિંહને ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ કરવા સમજાવ્યા; પણ તેમને સફળતા ન મળી. રણધિરસિંહે નારાજ થઈને કહ્યું : ‘પ્રસિધ્ધિને કારણે તારું મગજ ખરાબ થઈ ગયું છે અને તું અહંકારી બની ગયો છે. તારો અહંકાર એક કાળા પડદાની જેમ તારી અને ઉશ્વર વચ્ચે ઊભો છે !’

આના જવાબમાં ભગતસિંહે એક લેખ-‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’ લખ્યો હતો; જે તેમની શહીદી બાદ 27 સપ્ટેમ્બર 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયો હતો. નવ પાનાનો આ લેખ પ્રત્યેક યુવાનોએ વાંચવો/સમજવો જોઈએ. આ લેખમાં એવા વિચારો/તર્ક છે; જે વાંચકને ધર્મ/સંપ્રદાય/પંથના સંકુચિત વર્તુળમાંથી હંમેશને માટે મુક્ત કરી દે છે !

ભગતસિંહ લખે છે : “ઈશ્વરની ઉત્પત્તિનો શ્રેય એ શોષકોની પ્રતિભાને જાય છે જે પરમાત્માના અસ્તિત્વનો ઉપદેશ આપી લોકોને પોતાના પ્રભુત્વમાં રાખવા ઈચ્છે છે. બધા ધર્મો/સંપ્રદાય/પંથ અને તેવી બીજી સંસ્થાઓ છેવટે નિર્દયી અને શોષક સંસ્થાઓ, વ્યક્તિઓ તથા વર્ગોની સમર્થક થઈ જાય છે. રાજાની સામે પ્રત્યેક વિદ્રોહને દરેક ઘર્મમાં સદૈવ પાપ ગણવામાં આવ્યું છે. જ્યારે કોઈ માણસ સાથે પોતાના બધા દોસ્તોએ વિશ્વાસઘાત કર્યો હોય; ત્યારે એને એવા વિચારથી સાંત્વના મળે છે કે એક સાચો દોસ્ત એને સહાય કરવાવાળો છે; તે સહારો આપશે તથા તે સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે ! વાસ્તવમાં આદીકાળમાં આ સમાજ માટે ઉપયોગી હતું. પીડા અનુભવતા મનુષ્ય માટે ઈશ્વરની કલ્પના ઉપયોગી હોય છે. સમાજને આ વિશ્વાસ સામે લડવું પડશે. મનુષ્ય જ્યારે પોતાના પગ ઉપર ઊભા રહેવાનો પ્રયાસ કરે છે તથા યથાર્થવાદી બની જાય છે; ત્યારે એણે શ્રધ્ધાને એક બાજુ ફેંકી દેવી જોઈએ. અને એ દરેક કષ્ટો/મુશ્કેલીઓનો પુરુષત્વ સાથે સામનો કરવો જોઈએ; જેમાં પરિસ્થિતિઓ એને પછાડી શકતી હોય. આ આજે મારી સ્થિતિ છે. આ મારો અહંકાર નથી, મારા દોસ્ત ! આ મારી વિચારવાની રીત છે; જેણે મને નાસ્તિક બનાવ્યો છે. ઈશ્વરમાં વિશ્વાસ અને રોજે રોજની પ્રાર્થનાને હું મનુષ્ય માટે સૌથી સ્વાર્થી અને હલકું કામ માનુ છું. મેં એ નાસ્તિકો વિશે વાંચ્યું છે, જેમણે દરેક વિપદાઓનો બહાદૂરીથી સામનો કર્યો. એટલે હું પણ એક મનુષ્યની માફક ફાંસીના ફંદાની અંતિમ પળ સુધી માથું ઊંચુ રાખીને ઊભો રહેવા ઈચ્છું છું. મારા એક મિત્રે મને પ્રાર્થના કરવા કહ્યું. જ્યારે મેં એને નાસ્તિક હોવાની વાત કરી ત્યારે તેણે કહ્યું : ‘અંતિમ દિવસોમાં તું વિશ્વાસ કરવા લાગીશ !’ મેં કહ્યું : નહી, પ્યારે દોસ્ત, એવું નહી થાય. હું એને મારા માટે અપમાનજનક તથા ભ્રષ્ટ થવાની વાત સમજું છું. સ્વાર્થી કારણોસર હું પ્રાર્થના નહીં કરું. વાંચકો અને દોસ્તો, શું આ અહંકાર છે? અને જો હોય તો હું સ્વીકાર કરું છું !”

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)