પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં નોકરીમાંથી નિવૃત્ત થનાર માટે એક શબ્દનો પ્રયોગ થાય છે વયનિવૃત્તી, આપણે જન્મ લઈએ ત્યારે આપણી પૃથ્વી ઉપર એન્ટ્રી થાય છે અને મૃત્યુ વખતે પૃથ્વી ઉપરથી આપણી એકઝીટ થાય છે, આ સનાતન સત્યની આપણને બધાને જ ખબર છે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે અનેક વખત જીવનમાં કયારેક  સંબંધોમાં, કયારેક કામમાં, કયારેક પોતાનામાંથી એકઝીટ  લેવાની જરૂર હોય છે, પણ આપણને કયારેય કોઈએ એકઝીટ થવાનું શીખવાડયું જ નથી, જેના કારણે આપણે સતત મેદાનમાં ઉભા જ રહીએ છીએ અનેકોનું પરેશાનીનું કારણ તેમની એકઝીટનો સમય થયો હોવા છતાં તેઓ મેદાનમાં ઉભા રહેવાનો હઠાગ્રહ રાખે છે તેનું છે.

સરકારી અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મેં અનેક અધિકારીઓને જોયા છે, તેમની નોકરીનો કાળ બહુ ઉત્તમ રીતે પસાર થયો, તેમણે ઉત્તમ કામ કર્યું અને તેમના કામની સમયાંતરે કદર પણ થઈ, પણ જેઓ તેમનો નિવૃત્તીકાળ નજીક આવ્યો તેની સાથે  તેમણે એકઝીટનો આનંદ લેવાની બદલે કઈ રીતે એકઝીટ અટકે અને એકસટેશન મળે તેના પ્રયાસો શરૂ કર્યા અને ઘણા બધા તેમના પ્રયાસોમાં સફળ થયા એકસટેશન મેળવી તે જગ્યાએ મહિનાઓ અને વર્ષોથી કામ કરે છે. આવી જીવીષાનું કારણ શું છે? મેં આવી ઘટનાઓ જ્યારે પણ જોઈ છે ત્યારે મને સમજાયું કે બહુ ઓછા કિસ્સામાં કર્મચારી અને અધિકારીને પોતાની બાકી રહી ગયેલી આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે પણ નિવૃત્તી પછી કામ કરવુ પડે છે.

પરંતુ 98 ટકા કિ્સ્સામાં નિવૃત્તી પછી પણ એકસટેશન ઉપર કામ કરતા કર્મચારી-અધિકારીની માનસીક સ્થિતિ અને પોતે જ તેના માટે જવાબદાર છે. જયારે આ અધિકારીઓ નોકરી કરતા હતા ત્યારે તેમણે માત્ર નોકરી જ કરી હતી અને ખુબ પૈસા કમાયા, તેઓ જે પૈસા કમાતા હતા, તે તેમણે પોતાની અને પોતાના માટે વાપરવાનો સમય સુધ્ધા રાખ્યો નહીં, મિત્રો કમાવવાની વાત તો દુર રહી પણ કુટુંબમાં આવતા સામાજીક પ્રસંગોમાં પણ હાજર રહ્યા નહીં, જેના કારણે તેમનો સામાજીક નાતો પણ તુટયો, ક્રમશઃ ઘરથી ઓફિસ સુધીની સફર 30-35 વર્ષ ચાલી આ દરમિયાન આ અધિકારી પોતાના માટે જીવ્યો જ નહીં, પોતાને નોકરી સિવાય પણ શું ગમે છે તે યાદ કર્યું નહીં અને કોઈ ગમતું કામ શોધ્યું નહીં અને ગમતામાં મનમાં પોરવ્યું નહીં.

જ્યારે નિવૃત્તી આવી ગઈ, ત્યારે હવે આવતીકાલ સવારથી શું કરીશું તેવા પ્રશ્નને ડરાવી દિધા, કારણ જે દિવસે નિવૃત્ત થયા તેના બીજા દિવસથી તેઓ નિવૃત્ત નહીં કામ વગરના થઈ ગયા, આસપાસનું વિશ્વ સુંદર છે. જેમાં ગમતી પ્રવૃત્તી અને ગમતા માણસો છે તે જોવાની દ્રષ્ટી જ ગુમાવી દીધી હોવાને કારણે હવે કોઈ કામના નથી તેવા ભાવે તેમને વિહવળ બનાવી દીધા,જયારે નોકરીએ જોડાયા તે જ દિવસે નિવૃત્તીની તારીખ નક્કી હતી. તેનો અર્થ આપણને એકઝીટની ખબર હતી, પણ તે દિશામાં આપણે વર્ષો  સુધી પીઠ કરી ઉભા રહ્યા અને એકઝીટનો સમય આવ્યો, મેં મારી સંસ્થા માટે કેટલુ કર્યું,  પણ મારી કદર થઈ નહીં, નવી પેઢીને કઈ આવડતું નથી, હવે પહેલા જેવુ રહ્યું નથી આવી ઠાલા આશ્વાસનો સાથે આપણે બહાર આવી છીએ, ત્યારે મન દુખી થઈ જાય છે.

વાત માત્ર નોકરીની નથી, સંબંધોમાં તે પછી મિત્રો હોય, અથવા પરિવારની કોઈ જવાબદારી હોય, તેમાંથી ક્રમશઃ આપણે પોતાને દુર કરવી પડશે, આપણે કામ  કરતા હતા ત્યારે સુંદર કામ થયુ અને આપણા ગેરહાજરીમાં પણ સુંદર જ કામ થશે, પણ આપણે આપણી બાકીની સફરને કેવી રીતે સુંદર બનાવીએ, તેનો પ્રયાસ કરવો પડશે, કારણ જો આપણે એકઝીટ લેવાનું મન બનાવીશું નહીં તો આપણી પાછળ આવનાર આપણને ધક્કો મારી આગળ જશે, ત્યારે તે વાત આપણા માટે અસહ્ય હશે, કોઈ પણ કામના સ્થળેથી, સંબંધોમાં અને મનમાંથી કાઢી મુકે તે પહેલા આપણે જાતે જ આપણી એકઝીટનો સમય નક્કી કરી ત્યાંથી નિકળી જવું જોઈએ, પણ કોઈ કડવાશ સાથે નહીં, પણ આકાશ વિશાળ છે એક નવી ઉડાન ભરવાની આશામાં...