મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલૂરુઃ કર્ણાટકના બેંગાલુરુમાં ભડકેલી હિંસા વચ્ચે દેશમાં તમામ ધર્મના એક સંપ અને ગંગા-જમુના તેહજીબની વાત પણ સાચી ઠરેલી જોવા મળી હતી. પયગંબર મહોમ્મદ સાહેબને મામલે અયોગ્ય પોસ્ટ થયા પછી શહેર સાંપ્રદાયિક આગમાં લપેટાઈ ગયું હતું. જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા. જોકે કોઈ બાબત સાથે લડવાના બે રસ્તા હોય છે એક પ્રેમભાવનો અને બીજો નફરતનો, એક તરફ જ્યારે ઉપદ્રવીઓ શહેર સળગાવવામાં લાગ્યા છે ત્યાં જ કેટલાક લોકોએ પ્રેમનો રસ્તો અપનાવ્યો છે અને દેશમાં હિન્દુ અને મુસ્લીમ એક છે તેવો સણસણતો જવાબ આપીને ધર્મ પર ખુરશીના પાયા ઊભા કરતાં નેતાઓને ચચરી જાય તેવું કામ કર્યું છે.

મંગળવારની રાત્રે ભડકેલી હિંસા દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ એક મંદિરને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા, પણ તે લોકો તેમાં સફળ થયા નહીં કારણ કે તેમને તેમના જ સમાજના લોકોનો વિરોધ સહન કરવો પડ્યો. મંદિર બચાવવા માટે કેટલાક મુસ્લિમ યુવાનોએ માનવ સાંકળ બનાવી એવી દિવાલ તૈયાર કરી કે તેની આગળ કોઈ જઈ જ ન શક્યું. તેમણે આ રીતે ઉપદ્રવીઓને આગળ વધવા ન દીધા અને ભવિષ્યમાં તેના કારણે થનારા ઘણાના જીવ બચાવી લીધા તે ચોખ્ખી વાત છે.

મંગળવારની રાત્રે સોશિયલ મીડિયા પર અયોગ્ય પોસ્ટને કારણે કર્ણાટકમાં બેંગાલુરુના દેવરાજીવનહલ્લી (ડીજે હલ્લી) અને કાડુગોંડાનાહલ્લી (કેજી હલ્લી) પોલીસ મથક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. હિંસા ભડકાવવાનો આરોપ કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના દિકરા નવીન પર લાગ્યો છે. તે પછી શ્રીનિવાસ મૂર્તિના ઘરે તોડફોડ પણ થઈ અને ઘણી ગાડીઓ ફૂંકી મારી હતી.

બીજી તરફ તેમના ઘરે એક હનુમાન મંદિર પણ હતું, જેને પણ ઉપદ્રવીઓ તોડવા આગળ વધ્યા પરંતુ ત્યાં પણ તેમના જ સમુદાયના લોકોએ તેનો વિરોધ કર્યો અને તેમને હાથ પાછા ખેંચવા પડ્યા. મુસ્લિમ યુવાઓએ હનુમાન મંદિરને પણ બચાવવા માટે એક માનવ શ્રૃંખલા બનાવી અને ઉપદ્રવીઓને આગળ વધવા ન દીધા. ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં હિંસા ભડક્યા પછી પોલી પર પણ પથરમારો અને આગચંપી કરી રહેલા ઉપદ્રવીઓ પર પોલીસના ગોળીબારમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે.