મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ફીફા વર્લ્ડ કપની બીજી ક્વાટર ફાઈનલમાં બેલ્જીયમની ટીમે ચેમ્પિયન માટે દાવેદાર ગણાતી બ્રાઝીલની ટીમને ૨-૧થી હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સેમી ફાઈનલમાં બેલ્જીયમનો મુકાબલો ફ્રાન્સ સામે થશે.

વર્લ્ડ કપ ફૂટબોલમાં ૬ વખત ચેમ્પિયન રહેલી બ્રાઝીલ તેમજ ટીમ બેલ્જીયમની વચ્ચે યોજાયેલા ક્વાટર ફાઈનલ મુકાબલામાં પહેલા હાફમાં ગોલ કરનાર કેવિન ડી બ્રુયના બેલ્જીયમની જીતનો હીરો બની ગયો હતો. જ્યારે આ અગાઉ બ્રાઝીલના ખેલાડી ફર્નાડીન્હોની ભૂલના કારણે આત્મઘાતી ગોલથી બ્રાઝીલની ટીમ પહેલેથી જ ૧-૦થી પાછળ થઇ ગઈ હતી. તેમાં બ્રુયના ગોલથી બ્રાઝીલ ૨-૦થી પાછળ થતા તેના ખેલાડીઓ અને તેમના ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જો કે, બીજા હાફમાં બ્રાઝીલે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તે સેમી ફાઈનલમાં લઇ જઈ શકે તેવું રહ્યું નહતું.

આ ક્વાટર ફાઈનલ શરૂ થતા બંને ટીમો એકબીજા પર લીડ મેળવવા માટે જુસ્સામાં હતા, પરંતુ સમગ્ર મેચ દરમિયાન પૂર્વ ચેમ્પિયન બ્રાઝીલ માત્ર ૧ ગોલ જ કરી શકી હતી. જ્યારે બેલ્જીયમના કેવિન ડી બ્રુયનાએ ૩૧મી મીનીટે કાઉન્ટર એટેક કરી કરેલા ગોલથી બ્રાઝીલ ૨-૦થી પાછળ થઇ ગયું હતું. આ પછી મેચમાં ૭૬મી મીનીટે રેનાતો અગસ્ટોએ બ્રાઝીલ માટે પહેલો ગોલ કરી આશા જગાડી હતી. પરંતુ બેલ્જીયમની રક્ષણાત્મક પક્તિને બ્રાઝીલ ભેદી શક્યું નહતું. બ્રાઝીલ અને બેલ્જીયમ વચ્ચેના આ પાંચમા મુકાબલામાં બેલ્જીયમનો આ બીજી વખત વિજય થયો હતો. જ્યારે આ અગાઉ ૩ વખત બેલ્જીયમ સામે જીતી ચુકેલી બ્રાઝીલ ટીમને વર્લ્ડ કપમાંથી બહાર થઇ જવું પડ્યું છે.