પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): આપણે ત્યાં મોટા ભાગના લોકો પાસે ખાસ્સો સમય છે. જેના કારણે પાનના ગલ્લે, બસ સ્ટેન્ડ, ઓફિસ અને ચ્હાની કીટલી સહિત હવે તો સોશિયલ મીડિયા ઉપર આપણે વિશ્વ આખાના પ્રશ્નોની ચર્ચા કરી છીએ. ઘણી વખત હું સોશિયલ મીડિયા ઉપર લખી રહેલા મારા મિત્રો તરફ ધ્યાન આપુ તો મને આશ્ચર્ય થાય કે આ મિત્રો ક્યારે જમતા હશે અને ક્યારે સુતા હશે..? ચર્ચા કરવી સારી બાબત છે આપણે ત્યાં તાલુકા પંચાયતાના પ્રમુખથી લઇને ટ્રમ્પની ફોરેન પોલીસી સહિત સર્જીકલ સ્ટ્રાઈક, વિરાટ કહોલી પર પણ બોલી અને લખી શકીએ છીએ. આ પ્રકારની ચર્ચા કરવામાં અને આ વિષય ઉપર સોશિયલ મીડિયા ઉપર લખનારે કંઈ ગુમાવવાનું નથી. ચર્ચા કરી છુટા પડી જવાનું છે. આમ આપણી આખી ચર્ચા કોઈ નેતા, કોઈ દેશ અથવા કોઈએ કરેલા કામો આધારીત હોય છે. આમ ટુંકમાં કહીએ તો આપણે કોઈના નિર્ણય ઉપર બોલીએ છીએ.

કોઈના નિર્ણયની તરફ અથવા વિરૂધ્ધ બોલવુ અત્યંત સરળ કામ છે. કારણ કિંમત તો નિર્ણય કરનાર ચુકવે છે અથવા મેળવે છે. આપણે ત્યાં નિર્ણય ઉપર બોલનાર લાખો છે જ્યારે નિર્ણય ઉપર ઉભા રહેનાર બહુ જ જુજ છે. સામાન્ય જ વાતથી શરૂઆત કરીએ, આપણે સોસાયટીમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય ત્યારે સોસાયટીમાં ટોળુ ભેગુ થઈ જાય છે. પહેલા ટોળુ બંનેને છુટા પાડે છે. આવે વખતે ઝઘડી રહેલા બંને પક્ષકારો પોતાનો પક્ષ સોસાયટીના લોકો સામે રજુ કરે છે અને પક્ષકારો ટોળાનો મત જાણવા માગે છે, પણ મેં જોયુ કે આ વખતે કોની ભુલ હતી તેવુ સ્પષ્ટ કહેવાને બદલે સોસાયટીના લોકો કહે છે તમે બંને તમારી જગ્યાએ સાચા છો. આ તો કેવા પ્રકારનો ન્યાય થયો? જો અદાલતો આ પ્રકારે બંને સાચા છે તેવો ન્યાય કરે તો ન્યાય મળ્યો કેવી રીતે કહેવાય?

આપણને કોઈ મુદ્દા ઉપર નિર્ણય કરવાનો વખત આવે ત્યારે આપણે નિર્ણય કરતા નથી કારણ નિર્ણય કરવાનો આત્મવિશ્વાસ અને હિંમતનો આપણી અંદર અભાવ છે. આપણે અંદરથી ડરપોક છીએ તેનો પણ વાંધો નથી. આપણે ત્યાં અનેક લોકો એવા છે કે જેઓ કિંમત ચુકવાની તૈયારી સાથે એવા નિર્ણય ઉપર આવે છે કે આ તો ચલાવી શકાય તેમજ નથી. તમે નજર કરો તો તમારી આસપાસ પણ આવી વ્યક્તિઓ હશે, જે પોતાની રીતે વ્યવસ્થાની સામે પોતાની નાનકડી લડાઈ લડી રહ્યા છે. ઉદાહરણ રૂપે શાળાનો એક શિક્ષક જેને લાગે છે કે શિક્ષણના નામે વ્યાપાર થઈ રહ્યો છે, શિક્ષક શાળામાં યોગ્ય શિક્ષણ આપતો નથી અને તેના ટ્યુશન ક્લાસ ધમધોકાર ચાલે છે. જે શિક્ષક પોતાનું કામ પ્રામાણિકપણે ભણાવવાનું કરે છે તે પોતાના વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસમાં જવુ જ પડે નહીં તેવુ શિક્ષણ શાળાના વર્ગમાં જ આપે છે.

પ્રામાણિકતાથી શિક્ષણ આપનાર આ શિક્ષકની લડાઈ પોતાના સાથી શિક્ષક અને વ્યવસ્થા સામે છે. લડાઈનો અર્થ અહિંયા તલવાર લઈ ઉભા રહી જવાનો નથી પરંતુ પ્રામાણિક શિક્ષકને કારણે તેના સાથી શિક્ષક નારાજ હોય તે તો સમજાયછે. પણ પ્રામાણિક રહેનાર શિક્ષકના મિત્રો અને સગાઓ જ માને છે કે આ તો મુર્ખતા છે. પ્રામાણિક રહેવુ બધાને પોસાય તેવો રોગ નથી કારણ આ બીમારી પીડા અને દરિદ્રતા આપે છે. છતાં કેટલાકને આ બીમારીનું વળગણ હોય છે. છતાં પણ જેઓ આ રસ્તે જઈ રહ્યા છે તેમના ટીકાકારો બહુ હોય છે. તેઓ માને છે કે આ વ્યક્તિ સમય સાથે તાલ મીલાવી રહ્યો નથી. સમય સાથે તાલ મીલાવવાનો અર્થ અપ્રામાણિક થવુ તેવો  પણ નથી પણ તાલ મીલાવવાનો અર્થ વ્યવસ્થામાં સામેલ થઈ જવુ તેવો જરૂર થાય છે.

આપણે દેશમાં પ્રામાણિક લોકોની કમી નથી. કોઈપણ સોસાયટીમાં પથ્થર ફેંકો તો દસ પ્રામાણિક માણસોને વાગશે, પણ આ પ્રામાણિકતા પરિણામજન્ય નથી. પ્રામાણિક માણસોનો મોટો હિસ્સો માને છે કે તેઓ કોઈ ખોટા માર્ગે પૈસા કમાશે નહીં સાથે જેઓ પૈસા ખાઈ રહ્યા છે તેમના આડે પણ આવશે નહીં. આમ બેધારી પ્રામાણિકતા બહુ જ ધાતક છે કારણ આવી પ્રામાણિકતા સમાજ અથવા દેશનું ભલુ  કરી શકતી નથી. મને બરાબર યાદ છે હું ગુજરાતના સિનિયર આઈપીએસ પ્રશાંતચંદ્ર પાંડેને વર્ષોથી ઓળખતો હતો. જો કે હવે તેઓ નિવૃત્ત થઈ ગયા છે. તેઓ અત્યંત પ્રામાણિક અને નખશીખ ઉમદા માણસ, મરતાને પણ મર કહે નહીં તેવો તેમનો વ્યવહાર હતો, તેઓ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અમદાવાદમાં મુકાયા, જેના કારણે તેમની સાથેની મુલાકાત વધી હતી.

મેં તેમના કામ અને તેમની પ્રામાણિકતા અંગે અનેક વખત અખબારોમાં લખ્યુ હતું. 2002માં અમદાવાદમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા ત્યારે પણ તેઓ અમદાવાદના પોલીસ કમિશનર હતા. શહેરમાં કીડી મોકોડાની જેમ માણસો મરી રહ્યા હતા,તોફાન કોણ કરી રહ્યુ છે અને તેનું રીમોટ કોના હાથમાં છે બધા જ સારી રીતે જાણતા હતા. અમદાવાદ પોલીસમાં ત્યારે એવા પણ પોલીસ અધિકારીઓ હતા જેમની છાપ પ્રામાણિક પોલીસ અધિકારીની નહોતી પણ આ પોલીસ અધિકારીઓ પોતાની આંખો બંધ કરી લેવાને બદલે હાથમાં બંદુકો લઈ રસ્તા ઉપર ઉતરી પડ્યા અને તેમણે હિંસા આચરનારને તેમની જ ભાષામાં જવાબ આપી હજારો લોકોને બચાવ્યા હતા. પણ પ્રામાણિક પોલીસ કમિશનર પાંડે બધુ જાણતા હતા છતાં તેઓ પોતાની ખુરશી બચાવવા માટે ઓફિસમાં બેસી રહ્યા અને શહેરમાં હજારો માણસો મરી ગયા. મને પ્રશ્ન થયો કે જો પોલીસ કમિશનર પ્રામાણિક હોય અને કોઈની જિંદગી બચાવી શકે નહીં તે તેની પ્રામાણિકતા શું કામની?

આમ આપણે ત્યાં પ્રશાંતચંદ્ર પાંડે જેવા પ્રમાણિકોની ફૌજ છે, જેઓ કંઈ જ કરતા નથી અને જેઓ કંઈક કરવા જાય છે તેઓ વ્યવસ્થાના વિરોધી છે તેમ કહી તેમની ટીકા થાય. દરેક માણસ લડી શકે તે જરૂરી પણ નથી પણ જેઓ લડી શકતા નથી તેમણે જેમની અંદર લડવાની તૈયારી છે તેમના સહાયક થવાની જરૂર છે. રામની સેના લંકા પહોંચી ત્યારે રામસેતુ માટે પીઠ ઉપર માટી લાવનાર ખીસકોલી પણ એટલી જ મહત્વની હતી.  દેશને લંકાને આગ લગાડનાર હનુમાનની જેટલી જરૂર છે એટલી જ ખિસકોલીની પણ જરૂર છે.