મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશઃ સમયનું ચક્ર એક સરખું નથી ફરતું, સમય ક્યારે શું બતાવશે અને શું થશે તેનું કાંઈ નક્કી હોતું નથી. આવી વાતોનું એક સૌથી મોટું ઉદાહરણ હાલ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સામે આવ્યું છે. આ જ અઠવાડિયે ગ્વાલિયરમાં પેટાચૂંટણીની મતગણના થઈ રહી છે. આ દરમિયાન ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયા વાતચિત કરી રહ્યા હતા અને ઝાંસી રોડ તરફથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે તેમને રસ્તાના છેડા પર એક ભીખારીને ઠંડીમાં થરથરતો જોયો. તે કચરામાંથી ખાવાનું શોધી રહ્યો હતો. આ દૃશ્ય જોઈ તેમના અંદરના માણસે તે ભીખારીની વિવશતા અનુભવી અને તુરંત તેની મદદ કરવા તે તેની પાસે પહોંચ્યા.

ભિખારીની હાલત જોઈને એક અધિકારીએ તુરંત પોતાનું જેકેટ અને બીજાએ પોતાના જુત્તા ઉતારીને તેને પહેરાવી દીધા. આ પછી બંને અધિકારીઓએ તેની સાથે વાતચિત શરૂ કરી અને તેના અંગે જાણકારી લેવા લાગ્યા, જોકે વાતચિત બાદ બંને જ અધિકારીઓ ચૌંકી ગયા હતા. જ્યારે વાતો વાતોમાં ભિખારીએ કહ્યું કે તે ડીએસપી સાથેની જ બેચનો અધિકારી છે.

ભિખારીએ પોતાનું નામ મનીષ મિશ્રા કહ્યું જેણે ડીએસપી સાથે જ પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે નોકરી જોઈન કરી હતી. તેણે કહ્યું કે તે ગત છેલ્લા દસ વર્ષોથી લાવારીસ હાલતમાં ફરી રહ્યો છે. વાતચિતમાં ખબર પડી કે તે થોડા વર્ષો પહેલા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા, તે 5 વર્ષ સુધી તો પોતાના ઘરે રહ્યા તે પછી ઘરમાંથી નીકળી ગયા અહીં સુધી કે સારવાર માટે તેમને જે સેન્ટર અથવા આશ્રમમાં દાખલ કરાયા હતા ત્યાંથી પણ તે ભાગી ગયા. તે પછી તે રસ્તાઓ પર ભીખ માગીને પોતાનું જીવન ગુજારો કરી લેતા હતા.

મનીષ બંને અધિકારીઓ સાથે વર્ષ 1999માં પોલીસ સબ ઈન્સપેક્ટરની પોસ્ટ પર ભરતી થયો હતો. તેમણે વર્ષ 2005 સુધી પોલીસની નોકરી કરી અને છેલ્લે દતિયા ખાતે તે પોસ્ટિંગ પર હતા. મિશ્રા એક સારા એવા નિશાનેબાજ પણ હતા. જોકે માનસિક સ્થિતિ ખરાબ થયા પછી વિપરિત પરિસ્થિતિઓ સાથે તેમની પત્નીએ પણ તેમને છૂટાછેડા આપી દીધા હતા.

મનીષની બધી વાત સાંભળ્યા પછી તેમના મિત્રોએ તેમને મનાવીને પોતાના સાથે લઈ જવાના પ્રયત્નો કર્યા, પણ તે સાથે આવવા રાજી ન થયા. તેમણે તે પછી મનીષને એક સમાજ સેવી  સંસ્થામાં મોકલી દીધા, જ્યાં તેમની યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મનિષના ભાઈ પણ પોલીસ ઈન્સપેક્ટર છે અને પિતા અને કાકા પણ એસએસપીના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની બહેન કોઈ દૂતાવાસમાં સારા પદ પર છે. મનીષની પત્ની, કે જેમના છૂટાછેડા થઈ ચુક્યા છે, તેઓ પણ ન્યાય વિભાગમાં યોગ્ય પદ પર છે.