મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: અરવલ્લી જીલ્લામાં તહેવારો ટાણે વિદેશી દારૂની ખપત વધુ થતી હોવાથી સ્થાનીક બુટલેગરો એનકેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડી શરાબનો ગેરકાયદેસર વેપલો કરી તગડો નફો ખીસ્સામાં સેરવી લેતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વ પર દારૂની રેલમછેલ માટે બાયડના બુટલેગર ઈશ્વર મોહન સલાટે મંગાવેલ વિદેશી દારૂ બાયડ પોલીસે કન્ટેનરમાંથી જપ્ત કરી લેતા બુટલેગર અને દારૂના રસિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું પોલીસે ચોઈલા રોડ પરથી દહેગામ બાજુથી વિદેશી દારૂ ઠાલવવા આવી રહેલા ટ્રક-કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી ૨.૨૫ લાખનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ પીઆઈ એન.જી.ગોહીલ અને તેમની ટીમે ઉત્તરાયણ પર્વમાં પ્રોહીબીશનની કામગીરી અટકાવવા તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે દહેગામ બાજુથી ટ્રક-કન્ટેનર વિદેશી દારૂ ભરીને બાયડમાં દારૂનો જથ્થો ઠાલવવા આવી રહ્યું હોવાની બાતમી મળતા બાયડ-દહેગામ રોડ પર ચોઈલા પાસે નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારીત ટ્રક-કન્ટેનર આવી પહોંચતા તેને અટકાવી તલાસી લેતા ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો બાતમી સચોટ હોવાથી ટ્રક-કન્ટેનરને બાયડ પોલીસ સ્ટેશન લઇ આવી વધુ તપાસ હાથધરાતા કન્ટેનરમાંથી ગુપ્ત ખાનું મળી આવ્યું હતું પોલીસે ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની પેટી નંગ-૫૦ બોટલ નંગ-૬૦૦ કીં.રૂ.૨૨૫૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક પ્રવીણ રાજપાલરાવ સ્વામી (હરિયાણા) ને ઝડપી પાડી ટ્રક કન્ટેનર, મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ.રૂ.૧૨૨૭૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


 

 

 

 

 

બાયડ પીઆઈ એન.જી.ગોહીલે ટ્રક ડ્રાઈવરની સઘન પૂછપરછ કરતા ટ્રક કન્ટેનરમાં હરિયાણા ઢાની લક્ષ્મણ વિસ્તારના ઠેકેદાર પ્રમોદ રણવીરસિંહ સ્વામીએ ભરી આપ્યો હતો અને બાયડના ઈશ્વર મોહન મારવાડી (સલાટ) ને મંગાવ્યો હોવાનું જણાવતા પીઆઈ પણ ચોકી ઉઠ્યા હતા.

બાયડ પોલીસે ટ્રક ડ્રાઈવર પ્રવીણ રાજપાલરાવ સ્વામી,દારૂ ભરી આપનાર પ્રમોદ રણવીરસિંહ સ્વામી અને દારૂ મંગાવનાર બાયડના ઈશ્વર મોહન મારવાડી (સલાટ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.