મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લમાંથી પસાર થતો નેશનલ હાઈવે સહીત સ્ટેટ હાઈવે ખાડા માર્ગમાં પરિવર્તિત થયા છે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને જોડાતા રોડ ચિથરેહાલ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બાયડ તાલુકાના ગાબટ-સાઠંબા રોડ પર મસમોટા ખાડાઓ પડતા અને કોન્ટ્રાક્ટર દ્વારા જીલ્લામાં બનાવતા રોડનું એક જ વર્ષનું આયુષ્ય હોવાનું આક્રોશ પૂર્વક જણાવી એક નાગરિકે રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષા રોપણ અભિયાન હાથધરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગ્રાન્ટ માંથી નિર્માણ થતા રોડના કામોમાં અને રોડ રિસર્ફેશની કામગીરીમાં કોન્ટ્રાકટરો તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરી રોડના કામમાં જાણે લોટ, લાકડું અને પાણી વપરાતા હોય તેવા રોડ બનાવ્યાના થોડાક જ મહિનાઓમાં રોડ તૂટી જવાની ઘટનાઓ બની રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બાયડ તાલુકાના ગાબટ-સાઠંબા રોડ પર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસતા વરસાદથી રોડની સપાટી ઠેર ઠેર તૂટી જતા મેટલ, કપચી, ગ્રીટ સહિતનો માલસામાન વેર વિખેર થઇ જવા સાથે ડામોર પણ અનેક જગ્યાએ ગાયબ જોવા મળતા સ્થાનિક એક નાગરિકે રોડની હલકી કક્ષાની કામગીરી અને રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ નહીં કરવામાં આવતા રોડ પર પડેલા ખાડાઓમાં એક વર્ષનું આયુષ્ય ધરાવતા છોડ રોપી વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો હતો. રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં પણ રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષા રોપણથી કુતુહુલ સર્જાયું હતું.