મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ  સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો એ કહેવાતા આધુનિક યુગમાં લોકો માટે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે હાલના જમાનામાં ટીનીએજર અને યુવક-યુવતીઓ અને મહિલાઓ સ્માર્ટ ફોનની ઘેલછામાં સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ જ્યાં સારી દિશામાં થાય તો આશિર્વાદ સમાન છે ત્યાં ઘણીવાર આ સ્માર્ટ ફોનથી જ ઘણાની જીંદગીમાં પ્રેમ સંબંધોમાં છેતરપીંડી, નાણાંકીય છેતરપીંડી, ધમકી, લૂંટ, હત્યા વગેરે જેવી મુશ્કેલીઓનો પ્રવેશ થાય છે.

બાયડ તાલુકાના ડેમાઈ ગામની  યુવતી સાથે મોબાઈલ ફોનથી સંપર્કમાં આવેલા મોરબીના જેનિસ સંદીપગીરી ગોસ્વામીએ યુવતીના ઘરે આવી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મોબાઈલ ફોનથી યુવતીને લગ્ન કરવા સહિતની લાલચ આપી શારીરિક સબંધો બાંધવા માટે મજબૂર કરાતાં આ કિસ્સો અન્ય યુવતીઓ માટે ચેતવારૂપ બની રહ્યો છે. બનાવ અંગે બાયડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોશ્યલ મીડિયાના જમાનામાં યુવક-યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી કંઈક અજુગતું બને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. યુવતીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી મોહજાળમાં ફસાવી બળાત્કાર ગુજારવાના બનાવ છતાં વધુ ને વધુ યુવતીઓ અજાણ્યા યુવકના સંપર્કમાં આવી વાસનાનો શિકાર બની રહી છે. બાયડ તાલુકામાં રહેતા એક પરિવારની યુવતી મોબાઈલ ફોનના માધ્યમથી મોરબીમાં કલર ફેક્ટરીમાં રહેતા જેનિસ ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. જેમાં બંન્ને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાયા પછી યુવક અને યુવતી એકબીજાના ઘરે આવ-જા કરતા થયા હતા. જેમાં ગત તા.ર૪ના રોજ મોરબીનો યુવાન ડેમાઈ આવ્યો હતો અને યુવતીના ઘરે જ તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

યુવકની મોહજાળમાં ફસાયેલી યુવતીને શારીરિક સબંધો બાંધવા માટે વારંવાર દબાણ કરતા યુવકની માંગણીઓથી તંગ આવી જતા અને અપશબ્દો બોલી સતત ધમકી આપતો હોવાથી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ હિંમત રાખી પોલીસ ફરિયાદ આપી છે. બનાવ અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે બાયડ પોલીસે આરોપી જેનિસ સંદીપગીરી ગોસ્વામી (રહે.કલર ફેક્ટરી, લાલપર, મોરબી) સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.