જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી) : સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને લઇ દરેક જગ્યાએ મહિલાઓનું પણ વર્ચસ્વ વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હજુ મહિલા જગત માટે સુરક્ષા ,સન્માન અને ન્યાય માટે જોજનો કાપવાનાં છે પણ મહિલાઓ પોલીસ અને ન્યાય તંત્રના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. બાયડ કોર્ટના જજ, મામલતદાર, બાયડ શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની જવાબદારી ચાર મહિલા પોલીસ અધિકારીઓ નિભાવી રહ્યા છે જેમાં બાયડ પોલીસ સ્ટેશનમાં પીઆઈ ,પીએસઆઈ, સાઠંબા પોલીસ સ્ટેશન અને આંબલીયારા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે મહિલાઓનો દબદબો છે બાયડ તાલુકામાં સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થવા પામ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સ્વેતા તેવટીયા જીલ્લાના વિકાસની બગડોળ સાંભળી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

જ્યાં સરકાર દ્વારા ભરતીમાં ફરજીયાત મહિલા અનામતની ટકાવારીના નિયમો નથી તેવા કોર્પોરેટ અને અતિ સ્પર્ધાત્મક સેક્ટરમાં પણ મહિલાઓ પુરુષો જોડે જ પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં વધુ ચઢિયાતી સાબિત થઇ મેરિટના આધારે નોકરી કે પોઝીશન મેળવે છે. હોસ્પિટલોમાં પણ મહિલા તબીબોનો દબદબો છે. મહિલા સાહસિકો, ઉત્પાદક મંડળીઓ, હુન્નર -કળા અને સંગીત -સંસ્કૃતિમાં મહિલાઓ સરતાજ છે.બાયડ તાલુકામાં સરકારી કચેરીઓમાં મહત્વના હોદ્દા પર મહિલાઓ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે જેમાં બાયડ કોર્ટના જજ તરીકે બી.જી રાઠોડ, મામલતદાર તરીકે જાગૃતિબેન ચૌધરી, બાયડ પીઆઇ તરીકે ઉન્નતી પટેલ, પીએસઆઈ તરીકે શિલ્પા પરમાર, સાઠંબા પીએસઆઈ તરીકે મમતા ગઢવી અને આંબલીયારા પીએસઆઈ તરીકે રૂપલ ડામોર ફરજ બજાવી રહ્યા છે.

ભારતમાં પણ મહિલાઓ રીક્ષા બસ અને રેલ્વે ટ્રેન, વિમાનો ચલાવવાથી માંડી સ્પેસ શટલ સુધી પહોંચી ગઈ છે. થોડા દાયકાઓ પહેલા ઘરનો ઉંબરો પણ ઓળંગી નહિ શકતી મહિલાઓ આજે સાત સમંદર  મલ્ટીનેશનલ કંપનીઓનું સુકાન સંભાળે છે. ઘૂંમટો તાણી સતત અપમાનોનો ઘૂંટડો પીવા માટે જન્મેલી મહિલા હવે કમાન્ડોની તાલીમ લઈને  ખભે એકે ૪૭ રાઈફલ  સાથે સરહદ પાર માયનસ ૩૦ ડીગ્રીમાં દેશના ગૌરવનું અપમાન કરનારને ગોળીથી ધરબવા સજ્જ બની ખડે પગે ઉભી છે.