મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડ તાલુકાના  સાઠંબા ગામના અને હાલ મેઘરજ ધંધાર્થે રહેતા પરિવારની વડીલોપાર્જીત જમીન ગામના અને સમાજના વ્યક્તિઓ જમીન તેમના નામે કરી દેતા વાળંદ પરિવારે જીલ્લા મહેસુલ વિભાગ અને ગાંધીનગર જમીન મહેસુલ મંત્રી સુધી રજુઆત કરવા છતાં ન્યાય નહિ મળતા વર્ષાબેન દિનેશભાઇ વાળંદ નામની મહિલાઓ જમીન પર પહોંચી શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પરિવારજનો અને સાઠંબા પોલીસે મહિલાના આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

સાઠંબા ગામના દિનેશ ભાઈ રામભાઈ વાળંદ ધંધાર્થે પરિવાર સાથે મેઘરજ રહે છે. સાઠંબા ગામમાં તેમના પિતા રામભાઈ સોમાભાઈ વાળંદની જમીન આવેલી છે. પરિવાર બહાર રહેતો હોવાથી સમાજના સ્વ.કોદીબેન પુંજાભાઈ વાળંદના વારસદારોએ જમીન પડાવી લઈ કબ્જો કરી દેતા જમીન પરત મેળવવા બાયડ દીવાની કોર્ટમાં દાવો દાખલ કરતા જમીન પચાવી પાડનાર શખ્સોએ તા.૧૫-૦૬-૨૦૦૧ ના રોજની શિક્ષણ ઉપકરની પોતાના નામની બનાવટી પહોંચ સાઠંબા ગ્રુપ ગ્રામ પંચાયતે આપેલ આ પહોંચ દીવાની કોર્ટ બાયડમાં જમીનમાં પોતાનો કબ્જો બતાવવા માટે આધાર પુરાવા તરીકે રજુ કરેલ હતી.

બનાવટી પહોંચ અંગે તપાસ કરવા ગુજરાત મહેસુલ તપાસની કમિશ્નરે બનાવટી પહોંચ અંગેની તપાસ અરવલ્લી જીલ્લા કલેક્ટરને સોંપી હતી પરંતુ વહીવટી તંત્રએ તપાસ ન કરતા પરિવારજનો નાસીપાસ થઈ ગયા હતા.

દિનેશભાઇ વાળંદની પત્ની વર્ષાબેને ન્યાય નહીં મળતા વડીલોપાર્જિત જમીનમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા જેના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.  જોકે, તેઓ પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ અને પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. તેમના પરિવારની ખેતીની જમીન ગામના શખ્સોએ કેટલાક લોકોની મીલીભગત થી પચાવી પાડતા આ પગલું ભર્યુ હોવાનું જણાવતાં મહિલાને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતી.આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. અને ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી.