મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાની પ્રામાણીક્તાએ તેમની બદલી કરાવી દીધી તે બદલી અટકાવવા બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ૧૦ થી વધુ ગામોના સરપંચ અને જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપી બાયડ ટીડીઓની બદલી ખોટી રીતે કરવામાં આવી હોવાની અને બદલી સત્વરે રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આમરણાંત ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. બાયડ તાલુકા વિકાસ અધિકારીએ ચાર્જ સાંભળતા તેમની પ્રામાણિક છબી કેટલાક ભ્રષ્ટાચારીઓને પેટમાં દુઃખતા એનકેન પ્રકારે તેમની કાર્યશૈલી સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી બદલી કરાવવામાં સફળ રહ્યા હતા.

બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ ચાર્જ સાંભળતાની સાથે તાલુકાના વિકાસના કામો સત્વરે થાય અને બાયડ તાલુકાની ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગોબાચારી ચાલતી હોવાનું ધ્યાને આવતા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસના કામોની મુલાકાત લેવાની સાથે ગ્રામ પંચાયતના કામગીરીની સમીક્ષા કરવાની શરૂઆત કરતા વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી જવાની સંભાવના પેદા થઇ હતી.

બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાએ ગ્રામ પંચાયતમાં દરેક તલાટી કમ મંત્રીને આદેશ કર્યો હતો કે, તેઓના ગામમાં ચાલતા વિકાસના કામોમાં ગેરરિતી થતી હોય, ગુણવત્તા વગરના કામો થતા હોય તો સીધો તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા અંગેના બોર્ડ ચિપકાવવાનો આદેશ કર્યો હતો. આદેશ થતાની સાથે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેતા કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો અને વિકાસના કામોમાં ગોબાચારી આચરતા કોન્ટ્રાકટર્સ અને તાલુકા પંચાયતમાં પડ્યા પાથર્યા રહેતા ફોલ્ડરિયાઓમાં હડકંપ મચ્યો હતો. પ્રામાણિક છબીના પગલે વાંકુ પડતા ટીડીઓ કાજલ આંબલીયાની બદલી કરાવવા ગાંધીનગર અને ઉપર સુધી ખોટી રજૂઆત કરી ધમપછાડા કરતા આખરે મહુધા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરી દીધી હતી. જેમાં ભ્રષ્ટાચારીઓની જીત થઈ હતી જે અહીંના ગામડાઓમાં રહેતા લોકોને ગમ્યું નહીં. આ અંગે તેમણે તેમની બદલી અટકાવવા માટે બાંયો ચઢાવી દીધી હતી.

બાયડ તાલુકા વિકાસ અધિકારી ઉપર આક્ષેપો કરી બાયડ તાલુકાના સરપંચો વચ્ચે જાણે ગજગ્રાહ થયો હતો. અગાઉ તાલુકાના સરપંચોએ મુખ્યમંત્રીને લેખિતમાં આ અંગે રજૂઆત કરી હતી. જેમાં સરપંચોએ જણાવ્યું હતું કે બાયડ તાલુકા વિકાસ અધિકારી સરકારની છબી બગડે તેવું કરી રહ્યા હોવાથી તેઓની બદલી કરવામાં આવે. બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાના મનસ્વી વર્તનને કારણે ગ્રામપંચાયતોમાં ગ્રાન્ટની ફાળવણી ન થતી હોવાનો ગ્રામપંચાયતના સરપંચોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી. કામોની વહીવટી, મંજૂરી વર્ક ઓર્ડર સ્થળ ઉપરના કામો, શૌચાલયના કામો, આવાસના કામો જેવી વિવિધ યોજનાકિય કામોની મંજૂરી ન આપી આજદિન ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ વાપરવામાં આવી નથી અને આજ દિન સુધી મંજૂર થયેલા કામો હોવા છતાં જે તે ગ્રામ પંચાયતના સરપંચો ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યા હોવા સાથે તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. 

બાયડ તાલુકાના સરપંચો અને જાગૃત નાગરિકોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે બાયડ તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે ખૂબ જ પ્રામાણિકતાથી ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ વિધ્નસંતોષી લોકો દ્વારા સરકારમાં ખોટી રજૂઆતો કરીને ટીડીઓની બદલી કરાવવામાં આવી છે. જેના કારણે બાયડ તાલુકાની પ્રજામાં રોષ અને દુઃખની લાગણી પ્રવર્તી છે. બાયડ તાલુકાના ટીડીઓ તરીકે કાજલબેનને જ રાખવામાં આવે છતાંય જો જનતાનો અવાજ સાંભળવામાં નહીં આવે તો નજીકના ભવિષ્યમાં આમરણાંત ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.