મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં એચ ટાટ મુખ્ય શિક્ષકોને ફાજલ કરી બદલી કરવાની તજવીજનો ઠેર ઠેર વિરોધ શરૂ થઇ ગયો છે. આચાર્ય ની બદલી રોકવા બાયડના જૂની વાસણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અને એસએમસી કમિટીના સભ્યો અને ગ્રામજનોએ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશું ભાઈ પટેલ ને આવેદનપત્ર આપી પ્રાથમિક શાળાના બાળકોએ ગામમાં શનિવારે પોસ્ટરો સૂત્રોચ્ચારો સાથે રેલી કાઢી બદલી ન કરવા માંગ કરી હતી અને માંગ નહીં સ્વીકારવામાં આવે તો શાળાને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સરકારી પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ઘટ પડતા એચ ટાટના મુખ્ય શિક્ષકોને ફાજલ કરી અન્ય શાળામાં મૂકવાની તજવીજ હાથ ધરાઇ છે.સોમવારે બાયડ તાલુકામાં આવેલ જૂની વાસણી  પ્રાથમિક શાળાના બાળકો  દ્વારા તેમના આચાર્યની બદલી રોકવા ગામમાં પોસ્ટરો સૂત્રોચ્ચારો સાથે રેલી યોજી હતી અને મુખ્ય શિક્ષક હાર્દિકભાઈ સુરેશભાઈ પટેલની બદલી રદ કરવા માંગ કરી હતી અને માંગ નહીં સ્વીકારવામા આવે તો શાળાને તાળા બંધી કરવાની અને શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી શાળાના બાળકોએ બેનરો પ્રદર્શિત કરી “અમે સૌ પ્રાઇવેટ શાળા છોડી સરકારી શાળામાં આવ્યા”બેનર પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો.