મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં પોલીસ કોરોના મહામારીમાં જીવના જોખમે લોકડાઉનની અમલવારી સાથે જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહી સેવાની ધૂણી ધખાવી હતી. લોકોએ પોલીસની સેવાકીય પ્રવૃતિઓની ભારે સરાહના કરી હતી ત્યારે એવા કેટલાય ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓના  લીધે જીલ્લા પોલીસતંત્રની છબી ખરડાઈ રહી છે. જાણે પોલીસમાં રહીને પોલીસની ઇજ્જત સરેઆમ ખરાબ કરી રહ્યા હોય તેમ હપ્તા ઉઘરાવામાંથી ઉંચા જ નથી આવતા ત્યારે બાયડ શહેર નજીક હાઈવે પર રોડની બાજુમાં પોલીસજીપ માં બેઠેલા પોલીસકર્મીઓ હાઈવે પરથી પસાર થતા ભાર વાહક વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવતો હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

બાયડ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સતત વિવાદમાં સપડાઈ રહ્યા છે. થોડાં સમય અગાઉ માસ્ક પહેરવા અંગે વેપારી સાથે દંડ બાબતે વિવાદ થતા બેરહમી પૂર્વક વેપારીને ઢીબી નાખ્યો હતો ત્યારે વધુ એક વાર બાયડ શહેર નજીક પોલીસજીપ રોડની બાજુમાં પાર્ક કરી ભાર વાહક ચાલકો અને ખાનગી વાહન ચાલકો પાસેથી ટ્રાફિકની અમલવારીના નામે મસમોટો દંડ ફટકારવાના નામે વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાથી જાગૃત વાહનચાલકે પોલીસજીપમાં બેઠેલા પોલીસકર્મીઓ વાહનચાલક પાસેથી રૂપિયા પડાવતો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા પોલીસબેડામાં ભારે હડકંપ મચ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં થયેલો વાઈરલ વીડિયોમાં જોવા મળી રહેલ પોલીસજીપ અને પોલીસકર્મીઓ બાયડ પોલીસ સ્ટેશનના છે....? કે પછી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના.....? કે અન્યથા બાયડ જીલ્લાને અડીને આવેલ ખેડા અને મહીસાગર જીલ્લા પોલીસતંત્રની જીપ અને કર્મચારીઓ છે તે સવાલ વણ ઉકેલ્યો રહ્યો છે. 

વાહન ચાલકોના જણાવ્યા મુજબ કોઈ પણ જાતના ડર વગર ટ્રાફિક કર્મચારિઓ દ્વારા હપ્તા વસુલી ઉપરી અધિકારીઓ ની સંડોવણી વગર શક્ય નથી. તો આવા હપ્તાખોર પોલીસ કર્મચારીઓ અને હપ્તાખોરી માં સામેલ પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ સખત કાર્યવાહી થાય અને ફરજ પરથી બરતરફ કરવામાં આવે તોજ હપ્તાખોર કર્મચારીઓ ની શાન ઠેકાણે આવશેનો આક્રોશ ઠાલવ્યો હતો. 

એક તરફ અસહ્ય ડિઝલ નો ભાવ વધારો,ધંધા માં મંદી એમાં પાછા આવા હપ્તાખોર ભ્રષ્ટ અધિકારીઓ ના હપ્તાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.માટે ભ્રષ્ટાચાર દૂર કરવાની બૂમો પાડવા વાળી સરકાર પહેલા આવા ભ્રષ્ટ કર્મચારિઓ ને દૂર કરે તે જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.