મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડ શહેર નજીક હાઈવે પર રોડની બાજુમાં પોલીસજીપમાં બેઠેલા પોલીસકર્મીઓ હાઈવે પરથી પસાર થતા ભાર વાહક વાહનચાલકો પાસેથી નાણાંના ઉઘરાણા કરવામાં આવતાં હોવાથી અને વાહન ચાલકોને દમદાટી અપાતા ત્યાંથી પસાર થઈ રહેલા બાયડ તાલુકાના પગીયાના મુવાડાના સુરેશસિંહ સોલંકી નામના યુવકs સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જેમાં ટ્રાફિક જમાદાર જવાનસિંહ અને પોલીસ જીપમાં બેઠેલા કર્મચારીઓ દ્વારા એન્ટ્રીના નામે કોઈપણ જાતની રસીદ બનાવ્યા વગર ભાર વાહક અને ખાનગી પેસેન્જર વાહનચાલકો પાસેથી મનફાવે તેમ ૨૦૦ થી ૫૦૦ સુધી પડાવવામાં આવતા હોવાથી જેથી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા અને ભ્રષ્ટાચારીઓની શાન ઠેકાણે લાવવા સુરેશસિંહ સોલંકીએ બાયડ ટ્રાફિક પોલીસજીપમાં બેઠેલા જમાદાર અને કર્મચારીઓનો પૈસા ઉઘરાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા બાયડ પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો. યુવકનો આક્ષેપ છે કે, પોલીસજીપમાં બેઠેલા જુવાનસિંહ નામનો જમાદાર અને તેના મળતીયાઓ યુવકને ધમકી આપતા હોવાથી ભયભીત બનેલ યુવકે વધુ એક વિડીયો સોલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી છે.

સુરેશનો આક્ષેપ છે કે, સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા પછી જવાનસિંહ નામનો જમાદાર તેમના મળતીયાઓ અને તેમના સગા સંબધી, મિત્રો દ્વારા વીડિયો બનાવનાર સુરેશસિંહ સોલંકી ઉપર ધાક ધમકી અને દબાણ કરવામાં આવતું હોવાનું જણાવી રહ્યા છે અને બાયડ જમાદારનો ઉઘરાણા કરતો હોવાનો વીડિયો ખોટો છે અને માસ્ક ન પહેરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ દંડ વસુલવામાં આવ્યો છે, તેવું ખોટું નિવેદન લેખિતમાં આપવા ધાક ધમકી આપી દબાણ કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. યુવકને ખોટો સાબિત કરવા જમાદારે માસ્ક વગર વાહન હંકારતો હોવાનો દંડ ફટકાર્યો હોવાનો અને દંડની ખોટી રસીદ પણ બનાવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ત્યારે સમગ્ર મામલે નવનિયુક્ત એસપી સંજય ખરાટ આ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને યુવકને રક્ષણ આપવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે.