મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. દિનપ્રતિદિન ફિલ્મી દ્રશ્યોની જેમ સિગારેટમાં ગાંજો ભરી કશ ખેંચતા અનેક યુવાનો ચોક્કસ પાન પાર્લર અને ગાંજો વેચાણ થતા સ્થળો પર સાંજના સુમારે ટોળેટોળા ઉમટી પડી છે. બાયડ તાલુકાના રૂઘનાથપુરા (પાતેડી) ગામના રૂપસિંહ કાળુસિંહ પરમાર નામના શખ્શને ૨ કિલોથી વધુના જથ્થા સાથે બાયડ પોલીસે ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ પીએસઆઇ ભ્રમ્ભટ્ટ અને તેમની ટીમે રૂઘનાથપુરા (પાતેડી) ગામના રૂપસિંહ કાળુસિંહ પરમાર નામના શખ્શના ઘરે રેડ કરી તેના ઘરે મકાઈ ભરવાના કાપડના થેલામાં સંતાડી રાખેલો ૨ કિલો ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કિં.રૂ.૨૨૦૦૦/- તથા રોકડ રકમ ૪૫૦/- મળી કુલ રૂ.૨૨૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગાંજાનો કાળો કારોબજાર ચલાવતા રૂપસિંહ કાળુસિંહ પરમારને ઝડપી પાડી ધી એન.ડી.પી.એસ એક્ટ કલમ -૮ સી ,૨૦ (બી) મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.