મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ ધી બાયડ તાલુકા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળીના રૃા.૧.૪પ કરોડના ઉચાપત કૌભાંડની પોલીસ ફરિયાદ ૧૭ એપ્રિલ ૨૦૧૭ માં બાયડ પોલીસ સ્ટેશને કરોડો રૂપિયાનું બારોબારીયું કરનાર રામપુરા કંપા-વસાદરાના અને મંડળીમાં માનદ સહમંત્રી મોહનભાઇ વિઠ્ઠલભાઈ પટેલ સહીત અન્ય વ્યક્તિઓ સામે ઉચાપાટનો કેસ નોંધાયાની જાણ થતાની સાથે મોહન પટેલ ફરાર થઇ ગયો હતો. બાયડ પોલીસે અનેક જગ્યાએ છાપા માર્યા હતા તેમ છતાં સતત ૩ વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો બાયડ પોલીસે બાતમીદારો મારફતે સતત વોચ ગોઠવી હતી. ત્યારે બુધવારે મોહન પટેલ ઘેર હોવાની બાતમી મળતા તાબડતોડ તેના ઘરે ત્રાટકી દબોચી લીધો હતો કરોડોના કૌભાંડીનો કોરોના ટેસ્ટ કરાવવા બાયડ પોલીસે તજવીજ હાથધરી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ  ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓ જીલ્લા પોલીસતંત્રના હાથે ઝડપાઇ રહ્યા છે બાયડ પી.આઈ એન.જી.ગોહિલ અને તેમની ટીમે વર્ષ-૨૦૧૭ માં ધી બાયડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળીમાં રૂ.૧૪૫૭૪૨૨૦/-ની ઉચાપત કરી મંડળી અને બેંક સાથે વિશ્વાસઘાત કરનાર માસ્ટર માઈન્ડ મોહન વિઠ્ઠલ પટેલને ત્રણ વર્ષ પછી બાતમીના આધારે તેના રામપુરા કંપા-વસાદરા ગામેથી ઝડપી લેતા મોહન પટેલના મોતિયા મરી ગયા હતા. ત્રણ વર્ષ પછી પોલીસના હાથે ચડેલ મોહન પટેલનો કોવીડ ટેસ્ટ કરાવી કોરન્ટાઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

કરોડોના ઉચાપત કૌભાંડમાં માનદ્ સહમંત્રી મોહન પટેલ ઝડપાઈ જતા કરોડો રૂપિયાના કૌભાંડનું ભૂત ફરીથી ધુણ્યું છે આ કૌભાંડમાં મુખ્ય આરોપી ઝડપાતા આ કૌભાંડમાં સામેલ લોકો સામે પણ ગાળીયો મજબૂત થાય તેવા સંકેત મળ્યા છે.