મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ દુનિયામાં સેવા કરવા માટે કોઈ ક્લાસ ભરવાની જરૂર નથી હોતી તે તો અંતઃકરણમાં જ સ્ફૂરે છે. અત્યાર સુધી અનેક લોકો દુનિયામાં થઈ ગયા છે કે જેઓએ નિઃસ્વાર્થ ભાવે સેવાકિય કાર્યોમાં પોતાનું જીવન ઘસી નાખ્યું હોય. તેવો જ એક કિસ્સો બાયડ તાલુકાના શણગાલ ગામનો સામે આવ્યો છે. આ ગામના એક વૃધ્ધ પોતાના જીવનના છેલ્લા ૪૦ વર્ષથી ગામની શાળામાં એક પણ રૂપિયો લીધા વગર સેવાઓ આપી રહ્યા છે. શાળામાં સાફસફાઈથી માંડી પીવાના પાણીની વ્યવસ્થા સહિતના અનેક કાર્યો કરી રહ્યા છે. વધુમાં તેઓ પોતાના માટે જમવાનું અને ચા પણ ઘરેથી લાવીને જ ઉપયોગ કરે છે. શણગાલ ગામના આ વૃધ્ધ વ્યક્તિની સેવાની મહેંક બાયડ તાલુકામાં પ્રસરી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર બાયડ તાલુકામાં શણગાલ ગામ આવેલું છે. આ ગામના વાઘસિંહ બાવસિંહ ઝાલાને ૪૦ વર્ષ અગાઉ અંતઃસ્ફૂરણા થઈ સેવાકિય કાર્ય કરવાની. ખુબ જ વિચાર્યા પછી તેઓએ નક્કિ કર્યું કે ગામની પ્રાથમિક શાળામાં સેવા કરવાથી ગામમાં પણ રહેવાશે અને બાળકોની અને શૈક્ષણિક સંકુલની સેવાનો પણ લાભ મળશે. આ વ્યક્તિ છેલ્લા ૪૦ વર્ષથી પોતાના ગામની પ્રાથમિક શાળામાં મફત સેવા આપે છે. તેઓ શાળામાં શિક્ષકો કરતા પણ વહેલા કામે લાગી જાય છે જેના કારણે શિક્ષક કે વિદ્યાર્થી મોડા આવે તો આ કાકાથી ડરે છે. વાઘસિંહ રાતે પણ શાળામાં જ સુઈ જાય છે અને દિવસે વિદ્યાર્થીઓની દેખરેખ રાખે છે. શાળા સંકુલમાં અને મેદાનમાં કચરો જાતે વીણે તેમજ સાફ સફાઈ રાખે અને પીવાના પાણીની વ્યવસ્થા પણ જાતે કરી પોતાની સેવાઓથી સંતોષ અનુભવી રહ્યા છે. વધુમાં તેઓ પોતાનું ટીફિન અને ચા પોતાના જ ઘરેથી મંગાવે અને એક પણ રૂપિયો કોઈની પાસે લેતા નથી. તેઓની નેમ છે કે તેમનું ઘર એ ગામની સ્કૂલ જ છે. 

ચૂંટણી હોય કે કોઈ અધિકારી શાળામાં આવ્યા હોય તો સ્કૂલમાં નાનામાં નાની બધી જ વ્યવસ્થા તેઓ કરે છે. સ્કૂલમાંથી એક પત્તુ પણ ઝાડનું કોઈ તોડી ના શકે તેવો પણ તેમનો રોફ છે. એક સમયે તો તેઓ પોતાના પુત્રના લગ્નમાં પણ ગયા ન હતા અને સ્કૂલની સેવામાં જ રોકાયા હતા. શાળામાં મહેમાનો આવે કે મંદિરના ભક્તો આવીને રોકાય કાકા હંમેશા ખડેપગે તેઓની સેવા કરવા તત્પર રહી એમના જીવનના કિંમતી ૪૦ વર્ષ એમને એમના પરિવારથી દુર રહી વિધાર્થીઓની સેવા કરવા પાછળ ખર્ચી નાખ્યા છે. એમના પરિવાર માં 3 સંતાન અને પરિવાર , જમીન , મિલકત બધું જ છે તો પણ તેમનો પરિવાર સ્કૂલ જ છે. શાળામાં આવનાર કોઈ પણ અધિકારી હોય તેઓ કાકાને અચૂક મુલાકાત કરતા હોય છે  સ્કૂલમાં લાઈટ જતી રહે તો જાતેજ દિવા ચડાઈ ને લાઈટ ચાલુ કરી દે, છેલ્લા ૪૦ વર્ષથી આ રીતે સેવાકીય કાર્યો કરી રહેલા વાઘસિંહની સેવાઓને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બિરદાવી હતી. આવા સેવાભાવી લોકોના કાર્યોની પ્રેરણા આજની પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી પેઢીને મળે અને પોતાની શક્ય હોય તેટલી સેવા કરી માનવજીવન સાર્થક કરે તો ગામ સ્વર્ગ બની જાય.