મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ વિધાનસભામાં ધારાસભ્યો માટે લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે આ ગ્રંથાલયમાં પુસ્તકો વસાવવા,ખરીદવા લાઈબ્રેરીની સુવિધા વિધાનસભાના સભ્યોને સારી સવલતો સાથે મળે અને કોઈ રેફરન્સ બુક, વિધાનસભા-લોકસભાની ચર્ચાઓ કે અન્ય પુસ્તકોની પસંદગી માટે વિધાનસભાના અધ્યક્ષ હેઠળ રાજ્ય સરકારે ગ્રંથપાલ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની રચનાને એક વર્ષથી વધુનો સમય વીતવા છતાં ગ્રંથપાલ સમિતિની એક પણ બેઠક ન મળતા સમિતિના સભ્ય અને બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિધાનસભાના અધ્યક્ષને લેખિત જાણ કરી કે સત્વરે બેઠક બોલાવવામાં નહીં આવે તો રાજીનામુ આપીશ. આ ચીમકી ઉચ્ચારતો વીડિયો વાયરલ કરી ગ્રંથપાલ સમિતિની રચનાની પોલ ખોલી નાખી હતી.

બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગ્રંથાલય સમિતિની એક વર્ષથી વધુનો સમય પૂર્ણ થવા છતાં મિટિંગ ન બોલાવતા વડાપ્રધાન નરેન્દ્રમોદીને તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળની યાદ અપાવી તેમના વાંચે ગુજરાતના અભિયાન અંગે વાત કરી શાળામાં જઈને બાળકો સાથે વાંચન કરેલ માર્મિક ટકોર કરતો અને ગ્રંથાલય સમિતિના અધ્યક્ષ એવા વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી ૧ જાન્યુઆરીએ લેખિત જાણ કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં મળતા રવિવારે ધવલસિંહ ઝાલાએ સોશ્યલ મીડિયામાં ગ્રંથાલય સમિતિમાંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રંથાલય સમિતિની બેઠક સત્વરે બોલવાની માંગ સાથે બેઠક નિયમિત બોલાવવા માંગ કરી હતી.