મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડ-કપડવંજ હાઇવે વારંવાર જીવલેણ અકસ્માતોના કારણે ખૂનથી લથપથ બનવાના બનાવો માં વધુ એક બનાવથી ગોઝારો સાબિત થયો છે.શુક્રવાર ની રાત્રે બાઇક સવાર યુવાન વેપારીને પુરઝડપે દોડતા ભારે વાહને અડફેટે લઈ તેનું કમકમાટીભર્યું મોત નિપજાવતા સમગ્ર બાયડ નગરમાંથી પસાર થતા યમદૂત સમાન ભારે વાહનો અને જવાબદાર તંત્ર સામે નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે.

બાયડમાં વર્ષોથી સ્થાયી થયેલા સંજયભાઈ કંસારા શુક્રવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં પોતાની ચશ્માંની દુકાન બંધ કરી ચોઈલા રોડ પર આવેલા ઘર તરફ બાઇક પર સવાર થઈ જઇ રહ્યા હતા ત્યારે પુરઝડપે આવી રહેલા એક ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.આ અકસ્માતમા બાઈકસવાર સંજયભાઈ 10 ફૂટ કરતા વધુ દૂર સુધી ઘસડાતા તેઓના માથામાં જીવલેણ ઇજાઓ થતા યુવાન વેપારીનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત ના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા બાદ બાયડ પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે મૃતકની લાશને રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


 

 

 

 

 

છેલ્લા 10 માસમાં 12 થી વધુ વ્યક્તિઓ યમદૂત સમાન ભારે વાહનોનો ભોગ બની

મોડાસા-કપડવંજ હાઇવે બાયડ નગર વચ્ચેથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ માર્ગ પર શાળાઓ ,સરકારી કચેરીઓ તેમજ માર્કેટયાર્ડ અને દવાખાનાઓ આવેલા છે.આ માર્ગ સતત વાહનચાલકો અને રાહદારીઓથી વ્યસ્ત રહેતો હોય છે.પરંતુ આ માર્ગ પર ટ્રાંફિક નિયંત્રણ માટે પોલીસ અને માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈજ અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા આ માર્ગ પર મોત ના સામાન સમા ભારે વાહનો અંધાધૂંધ રીતે બેફામ સ્પીડમાં દોડતા હોય છે જેના કારણે અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે.સ્થાનિક નાગરિકો દ્વારા આ મામલે અનેકવાર રસ્તા રોકવા સહિતના આંદોલન કરી જવાબદાર તંત્રને રજુવાત કરવામાં આવી હોવા છતાં કોઈજ પગલાં ભરવામાં ન આવતા ફરી એકવાર હસતો ખેલતો પરિવાર નંદવાઈ ગયો છે તેવામાં પોલીસતંત્ર વાહનો અને વાહનચાલકો ને પાઠ ભણાવે તે અનિવાર્ય બન્યું છે.