મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. બાયડ પંથકનો નામચીન બુટલેગર મોહન ઉર્ફે મોયા ચીમન મારવાડી (સલાટ) પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. જામીન પર છૂટ્યા પછી છેલ્લા ૫ મહિનાથી ફરાર મોયો સલાટ બાયડ પંથકમાં હોવાની બાતમી બાયડ પોલીસને મળતા વાત્રક નજીક મંદિર પાસેથી બુટલેગર મોયા સલાટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી સુરત લાજપોર જેલમાં પરત ધકેલી દીધો હતો. મોયા સલાટે પેરોલ ફર્લો જમ્પ કરી ફરીથી બાયડ પંથકમાં દારૂનો ધંધો શરૂ કરી દીધો હોવાની માહીતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.

બાયડ પીઆઈ એન.જી.ગોહીલ અને તેમની ટીમે સુરત લાજપોર જેલમાં પાસા હેઠળ સજા ભોગવી રહેલો બાયડનો કુખ્યાત બુટલેગર મોયો સલાટ પેરોલ જમ્પ કરી છેલ્લા ૫ મહિનાથી ફરાર હતો અને બાયડ પંથકમાં હોવાની માહીતી પ્રાપ્ત થતા બાતમીદારો સક્રીય કરતા મોયો સલાટ વાત્રક ધોરેશ્વર મંદિર નજીક થી પસાર થવાનો હોવાની બાતમી મળતા પીઆઈ એન.જી.ગોહીલ અને તેમની ટીમે નામચીન બુટલેગરને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. મોયો સલાટ બાતમી આધારિત સ્થળે પહોંચતા વોચમાં રહેલી પોલીસે મોયા સલાટને દબોચી લેતા પોલીસ પકડથી છૂટવા ભારે ધમપછાડા કર્યા હતા. બાયડ પોલીસે મોયા સલાટને પરત સુરત લાજપોરની જેલમાં ધકેલી આપ્યો હતો.