મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડ તાલુકાના ડેમાઇની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને જવેલર્સ ના વ્યવસાય સાથે સંકળાયેલ જયેશભાઇ સોનીનો દિકરો ધ્રુવ ૧૮ ઓક્ટોમ્બર-૨૦૧૬ મંગળવારની  રાત્રે મસાલો ખાવા માટે બહાર ગયો હતો.  મોડી રાત સુધી ઘરે પરત ફરતા પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી બીજા દિવસે સવારે ડેમાઇથી થોડે દુર આવેલા એક નાળા નીચે કોથળામાં પુરેલી હાલતમાં ધ્રુવની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.

ધ્રુવ સોનીની હત્યા કરવામાં આવી હોવાની અને તેની લાશને કોથળામાં પૂરેલી હોવાનું બહાર આવતા બાયડ પોલીસ અને જીલ્લા પોલીસવડા, એલ.સી.બી પોલીસ, એફ.એસ.એલ તેમજ ડોગ સ્કવોડ સહીત પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોચી ગયો હતો અને કોથળામાંથી લાશ બહાર કાઢી હત્યાનો ગુનો નોંધી બાયડ પોલીસે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખી ધ્રુવની હત્યા કરનાર  તેના મિત્ર રાજેશ રમણભાઈ પટેલે ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
                 
ડેમાઈ ગામે લગ્ન માટે રૂપિયાની જરૂર ઉભી થતા રાજેશે ધ્રુવ સોનીનું કાસળ કાઢી નાખ્યું હતું આ ગંભીર ગુનાનો કેસ જીલ્લા કોર્ટમાં ચાલી જતા અરવલ્લી જીલ્લા ડીસ્ટ્રીક કોર્ટે હત્યારા આરોપી રાજેશ રમણભાઈ પટેલને આજીવનકેદની સજા ફટકારી હતી. 

ડેમાઇના માઢ ફળિયામાં રહેતા રાજેશ રમણભાઈ પટેલે લગ્ન કરવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા સોના-ચાંદીના દાગીના પહેરી ફરતા ગામના ધ્રુવ સોની નામના યુવક પર ઠરી હતી અને હત્યા કરી ઘરેણાં લૂંટી લેવા પ્લાન બનાવી ધ્રુવ સોનીને ૧૮ ઓક્ટોમ્બર-૨૦૧૬ ની રાત્રીએ ફોન કરી બોલાવી ઘરે ટીવી જોવા માટે બોલાવ્યો હતો. ટીવી જોવામાં મશગુલ બનેલા ધ્રુવને રાજેશે પાછળથી ગળામાં દોરડું ભરાવી ટૂંપો આપી દઈ હત્યા કરી નાખી ધ્રુવે પહેરેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન કાઢી લઈ હત્યાની ઘટનાને છુપાવવા સાબરદાણ ના કોથળામાં ભરી દોરડાથી સીવી લીધો હતો અને મોડી રાત્રીએ બાઈક પર કોથળામાં ભરેલ ધ્રુવની લાશને ડેમાઈ-કપડવંજ રોડ પર ગરનાળાની નીચે નાખી ઘરે આવી જાણે કઈ જ બન્યું ન હોય તેમ ઘરે આવી સુઈ ગયો હતો. બાયડ પોલીસે હત્યાનો ગુનો મોબાઈલ ફોન પર છેલ્લે થયેલી વાતચીતના આધારે હત્યારા આરોપી રાજેશ રમણભાઈ પટેલને દબોચી લીધો હતો અને લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી હત્યા કરી હોવાનું કબુલી લીધું હતું. આ અંગેનો કેસ અરવલ્લી જીલ્લા ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ડીસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના આધારે રાજેશ પટેલને આજીવન કેદની સજા ફટકારતા મૃતક યુવક ધ્રુવના પરિવારજનોએ કોર્ટના નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.