મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ રાજ્યમાં 6 વિધાનસભાની પેટા ચુંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે, પરંતુ એ પહેલા જ સ્થાનીક સંગઠનનો અને સમાજના અગ્રણીઓનો સુર ઉચકાયો છે અને સ્થાનિક ઉમેદવાર માટે માંગણી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી ધવલસિંહ ઝાલાનું નામ નિશ્ચિત હોવાના મોવડી મંડળે સંકેત આપ્યા છે.

ધવલસિંહ ઝાલાના અતિ ઉત્સાહી સમર્થકોએ સોશ્યલ મીડિયામાં ‘બાયડના ગરીબ લોકોનો અવાજ બનશે ધવલસિંહ, 30મીએ ફોર્મ ભરશે’,ની પોસ્ટ કરતા શિસ્તબંધ ગણાતી ભારતીય જનતા પાર્ટી ના વિધિવત રીતે ધવલસિંહ ઝાલાનું નામ જાહેર કરતા પહેલા ધવલસિંહ ઝાલાના સમર્થનમાં થયેલી પોસ્ટ થી ભાજપના જમીની કાર્યકર્તાઓ પણ અચંબિત બન્યા હતા સ્થાનિક રાજકારણમાં પણ “પોસ્ટર ગેમ” થી કોને ફાયદો થાય છે તે જોવું રહ્યું ની ચર્ચા જામી છે શિસ્તબદ્ધ પાર્ટીના આબરૂના લીરેલીરા ઉડ્યા હોવાનું પણ સ્થાનિક કાર્યકરોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

સોશ્યલ મીડિયામાં ધવલસિંહ ઝાલાના સમર્થકોએ કરેલી પોસ્ટ ડિલેટ મારી દઈ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકવા માટે પ્રયત્નો હાથધર્યા હતા ધવલસિંહના વિરોધીએ તેમના સમર્થકે કરેલી પોસ્ટ ડિલેટ કરી દે તે પહેલા પોસ્ટ સેવ કરવાની સાથે સ્કેઇન શોર્ટ પાડી લઈ મોવડીમંડળમાં રજૂઆત કરવા તૈયાર હાથધરી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આ અંગે સતત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.