મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  ગુજરાતમાં નકલી ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ,માં અમૃતમ કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના કૌભાંડનો છાસવારે પર્દાફાશ થતો હોય છે. જેમાં મુખ્યત્વે જે તે સંબન્ધિત કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવતું હોય છે. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં નકલી ચૂંટણીકાર્ડ મળી આવતા સરકારી કચેરીમાં ખળભળાટ મચ્યો છે. બાયડ પ્રાંત અધિકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા યુવકે ફક્ત ૨૦૦ રૂપિયા લઈ એક યુવકની પત્નીનું ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. યુવક તેની પત્નીને કાઢી આપેલ ચૂંટણીકાર્ડનું નવું સ્માર્ટ કાર્ડ કઢાવવા મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં જતા ફરજ પરનાં કર્મચારીને ચૂંટણીકાર્ડ જોતાની સાથે કાર્ડ નકલી હોવાનું ધ્યાને આવતા તેને મદદનીશ ચૂંટણી અધિકારીને જાણ કરતા નકલી ચૂંટણીકાર્ડ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નકલી કાર્ડ કાઢી આપનાર પ્રાંત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર સહીત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ તાલુકાના નવા પ્રતાપપુરા ડેમાઇ ગામના મેહુલ કુમાર મણીસિંહ ઝાલા તેમની પત્ની આરતીબેનનું ચૂંટણીકાર્ડ કાઢવાની જરૂરિયાત ઉભી થતા છભૌ ગામના નીલેશ પ્રતાપભાઈ પરમાર નામના પરિચીત યુવકનો સંપર્ક કરતા નિલેશ પરમારે બાયડ પ્રાંત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાકેશ સોલંકી સાથે સંપર્ક કરાવ્યો હતો. મેહુલ ઝાલાએ તેમની પત્નીનો ફોટો એલસીની નકલ માંગતા મેહુલ ઝાલાએ રાકેશ સોલંકીને તમામ ડોક્યુમેન્ટ આપતા એક અઠવાડિયામાં ચૂંટણીકાર્ડ બનાવી આપી મેહુલ ઝાલા પાસેથી ૨૦૦ રૂપિયા લીધા હતા. મેહુલ ઝાલા તેની પત્નીનું ચૂંટણી કાર્ડ લઇ બાયડ મામલતદાર કચેરીએ પીવીસી એપીક કાર્ડ કઢાવવા જતા નકલી ચૂંટણીકાર્ડ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મદદનીશ ચૂંટણી અધિકારીએ ત્રણે શખ્સોની પૂછપરછ કરતા નિલેશ સોલંકીએ અગાઉ  ઇન્દ્રાણ દાદનામુવાડાના રહીશને ચૂંટણીકાર્ડ કઢાવવાનું હોય રાકેશ સોલંકીનો સંપર્ક કરી આપ્યો હોવાનો રાગ આલાપ્યો હતો. મેહુલ ઝાલા નકલી ચૂંટની કાર્ડ થી અજાણ હોવાનું અને પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો રાકેશ સોલંકી આ બંનેને ઓળખળતો ન હોવાનું રટણ કરતા મદદનીશ અધિકારી સહીત તંત્રના અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. 

બાયડ મદદનીશ ચુટંણી અધિકારી કે બી સોલંકીએ ૧)રાકેશસિંહ મોહનસિંહ સોલંકી (રહે,વારેણા) ,૨)નિલેષકુમાર પ્રતાપભાઈ પરમાર (રહે, છભૌ ) અને મેહુલ કુમાર મણીસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.