મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ : રાજયના ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કાનો પ્રારંભ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી બાયડ ખાતે પ્રારંભ કરાવવા આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય  રૂપાણીના આગમનના ગણતરીના કલાકો પહેલા દીપડાના આંટાફેરાથી ફફડાટ અનુભવતા ગાબટ પંથકના ખેડૂતોએ બાયડ યુજીવીસીએલ કચેરીમાં પહોંચી વસાદરા ફીડર વિસ્તારમાં ખેતી માટેની વીજળીના સમયમાં ફેરફાર કરવા રજુઆત કરવા પહોંચ્યા હતા મુખ્યમંત્રી જિલ્લાના ૧૦૪ ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરવાની યોજનાના પ્રારંભ ટાણે જ ખેડૂતો વીજકચેરીમાં રજુઆત કરવા પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

બાયડના ગાબટ ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ખૌફ જોવા મળી રહ્યો છે ગામમાં દીપડો ઘૂસી આવી દિનેશભાઇ દલાભાઈ નામના વ્યક્તી પર હુમલો કરતા ભારે દેકારો મચી ગયો હતો આ ઘટનાના પગલે દીપડાને પાંજરે પુરવા રાજ્યની ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, ગીર, અરવલ્લી જિલ્લાની નિષ્ણતોની ટીમ પણ નિષ્ફળ રહી હતી અને દીપડો અન્ય સ્થળે વિહાર કરી ગયો હોવાનું વનવિભાગે જાહેર કર્યું હોવા છતાં બાયડ પંથકમાં દીપડો આંટા ફેરા મારતો હોવાની બૂમો ઉઠી રહી છે ખેડૂતો   દીપડાની હાજરીથી ફફડી ઉઠ્યા છે રાત્રીના સમયે ખેડૂતો અને તેમના ભાગીયા ખેતરમાં જતા ડરી રહ્યા છે માનવ પર હુમલાની ઘટનાના પગલે ખેડૂતો અને ભાગીયાઓ સતત ફફડાટ અનુભવી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ બાયડ યુજીવીસીએલ કચેરી ખાતે નાયબ ઈજનેરને રજુઆત કરી રાત્રીના બદલે દિવસે ખેતીની વીજ પ્રવાહનો સમયમાં ફેરબદલ કરી દિવસે વીજળી આપવાની માંગ કરી હતી. 

બાયડ ખાતે જીલ્લાના ખેડૂતોને રાત્રે પાણી વાળવા ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાનો શુભારંભ કરવા મંગળવારે બાયડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપણી પહોંચી રહ્યા છે ત્યારે ખેડૂતોએ દિવસે ખેતીની વીજળી આપવા માંગ કરતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.