મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ રાજ્યની ૬ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ચૂંટણી પંચની નીરસતાને લીધે ખુલ્લેઆમ આચારસંહિતાના લીરેલીરા ઉડ્યા હતા એક તરફ ચૂંટણી પાંચ મતદાન મથક પર મોબાઈલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ મુકેલો છે. જ્યારે બીજી તરફ આજે મતદાન દરમિયાન કેટલાય મતદારોએ મત આપતા ઈવીએમના  ફોટા પાડ્યા હતા. સાથે બિન્દાસ્ત પણે ઈવીએમનું બટન દબાવતા ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સોશ્યલ મીડિયામાં અને વોટ્સએપ પર આ પ્રકારના ફોટોગ્રાફ વાયરલ કરતા ચૂંટણીપંચ અને પોલીસતંત્ર વાયરલ ફોટો કરનાર મતદારો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.......!!

બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન શરુ થતાની સાથે રાજકીય પક્ષોના સમર્થકો દ્વારા ઈવીએમના ફોટો મુક્યા હતા. જેમાં મતદાન કરવા ગયેલા મતદાર દ્વારા પોતાનો વોટ કાસ્ટ કરતી વખતે ઈવીએમમાં થતી લાલ લાઈટ સાથે કે પછી વિવિપેટની કાપલી સાથે ચોક્કસ પક્ષને વોટ આપતા હોય તેવા ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. બાયડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલને તેમના સમર્થક મતદારોએ તેમને જ મત આપ્યો હોવાની પ્રતિબધ્ધતા દર્શાવવા ઈવીએમમાં મત આપતા ફોટો પાડી સોશ્યલ મીડિયામાં બિન્દાસ્ત વાયરલ પણ કર્યા હતા. પ્રતિબધ્ધતા દર્શાવાની લાહ્યમાં કાયદાકીય નિયમોનું ઉલ્લઘન થયાનું ભાન પણ ચુકતા કાયદાની ચુંગાલમાં ફસાવવાનો વારો આવે તો નવાઈ નહીં...!

સોશ્યલ મીડિયામાં ઈવીએમનું બટન દબાવતા અને ઉમેદવારના વિવિપેટ સાથે લીધેલ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ અંગે ચૂંટણી અધિકારી પ્રિતેશ દવેને પુછાતા જણાવ્યું હતું કે, મતદાન મથક પર મોબાઈલ લઈ જવો પ્રતિબંધ છે કલેક્ટરનું જાહેરનામું પણ અમલમાં છે ત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર સામે જીલ્લા કલેક્ટરે આ અંગે જીલ્લા પોલીસવડાને તાપસ સોંપી હોવાનું જણાવ્યું હતું અને કસુરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેનું જણાવ્યું  હતું.