મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચેઈનસ્નેચીંગ ઘટનાના આરોપીઓને બંને જીલ્લા પોલીસતંત્ર દ્વારા ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેતા થોડા સમયથી મહિલાઓ અને પ્રજાજનો હાશકારો અનુભવ્યો હતો, ત્યારે બાયડના આંબલીયારા ગામ બસ સ્ટેન્ડ નજીક

સાંજના ૬ વાગ્યાના સુમારે આંગડિયા પેઢીના કર્મચારીને બે બાઈકર્સ પાસે થી ૭.૭૮ લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટ અટકાવવા મરણીયો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. ઈજાગ્રસ્ત આંગડિયા પેઢીના કર્મચારીને સારવાર અર્થે બાયડ દવાખાને ખસેડવામાં આવ્યો હતો. લૂંટની ઘટનાના પગલે આંબલીયારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

બાયડની જે.કે આંગડિયા પેઢીના કર્મચારી અને આંબલીયારા ગામમાં રહેતા સોમાભાઈ પટેલ આંબલીયારા બસ સ્ટેન્ડ નજીકથી સાંજના સુમારે થેલામાં ૭.૭૮ લાખની રકમ લઈ ચાલતા પસાર થતા હતા, ત્યારે ચીલ ઝડપે બે બાઈક સવાર લૂંટારુંઓ એ ત્રાટકી કર્મચારી પાસેથી થેલો આંચકી લેવા જતા કર્મચારીએ આકસ્મિક બનેલ ઘટનામાં થેલો લૂંટાતો બચાવવા પકડી રાખ્યો હતો. બાઈક લૂંટારૂઓએ બાઈક દોડાવતા આંગડિયા પેઢીનો કર્મચારી રોડ પર પટકાતા આખરે બાઈકર્સ ૭ સેકન્ડમાં ૭.૭૮ લાખ રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થતા ભારે ચકચાર મચી હતી.

આજુબાજુમાંથી લોકો અને કર્મચારીના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત આંગડિયા કર્મચારીને સારવાર અર્થે બાયડ દવાખાને ખસેડ્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાતા આંબલીયારા પોલીસે ઘટનસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લૂંટારુ બાઈકર્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.