મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ક્વોરી ઉદ્યોગે કાઠું કાઢ્યું છે, જીલ્લામાં જમીનોના ભાવ સસ્તા હોવાથી અનેક ઉદ્યોગકારો અને ફેકટરી માલિકો તેમના ઉધોગ ધંધા માટે જમીન ખરીદી કરી રહ્યા છે. બાયડ તાલુકાના અલવાકંપા ગામમાં આવેલા સર્વે.નં-૧૨૫માં કવોરી ઉદ્યોગ માટે જમીન આપી હતી ત્યારે આ સ્થળે ક્વોરી ઉદ્યોગના બદલે કેમીકલ ફેક્ટરી બનાવવાની માલિકે હિલચાલ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ક્વોરીની જગ્યા માટે ફાળવેલ જમીનમાં કેમીકલ ફેક્ટરી બનશે તો ખેતીલાયક જમીન ભારે નુકશાન જવાની ભીતી સેવતા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કેમીકલ ફેક્ટરીને મંજૂરી નહીં આપવા રજૂઆત કરી હતી.

અલવાકંપાના ખેડૂતોએ જીલ્લા કલેટકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, તેમના ગામની જમીન ખેડૂતોએ ક્વોરી ઉદ્યોગ માટે આપી હતી, ત્યારે ક્વોરીના માલિક દ્વારા કેમીકલ ફેક્ટરી બનાવવા તજવીજ હાથધરાતા જો કેમીકલ ફેક્ટરી બનશે તો ખેતીલાયક જમીન અને કુવા, બોર ના પાણી પણ ખરાબ થઇ શકે છે. નજીકમાં આવેલ વાત્રક જનરલ હોસ્પીટલમાં દર્દીઓ માટે પણ હાનિકારક હોવાની સાથે તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને શારીરિક નુકશાન થવાની સંભાવના રહેલી હોવાથી કેમિકલ ફેક્ટરીને મંજૂરી નહીં આપવા રજૂઆત કરી હતી.