મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ થોડા સમય પહેલા આ સ્વાર્થી દુનિયામાં માતાના કુખે જન્મ લેનાર શિશુ હાલ બાયડની સરકારી હોસ્પિટલમાં અંત્યત નાજુક હાલતમાં સારવાર હેઠળ છે. બાળક જે અવાવરુ વિસ્તારમાં ત્યજી દેવાયું ત્યાં સવારે અંદાજીત 10 ડિગ્રી અને બપોરના સમયે અંદાજીત 12 ડિગ્રી સાથે સડસડાટ પવન ચાલતો હતો. નવજાત શિશુને દુનિયામાં જન્મ લેતા પહેલા ખબર પણ નહીં હોય કે, તેને આ પ્રકારના માતા-પિતાની મમતા અને પ્રેમ ના બદલે ઝાડી-ઝાંખરામાં તરછોડી દેવાશે. ૧૦૮ એમ્બ્યૂલન્સની થકી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યું છે. જ્યાંથી તેનું આગળનું ભવિષ્ય હવે લોકો નક્કી કરશે.

બાયડના જાણીતા ઝાંઝરીના ધોધના જંગલમાં નવજાત શિશુને આવાવરુ જગ્યાએ ત્યજી દેનાર માતા-પિતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. પુત્ર પ્રાપ્તિ માટે લોકો પથ્થર એટલા દેવ કરતા હોય છે આવા અનેક દંપતી સમાજમાંથી મળી આવે છે. ત્યારે નવજાત શિશુ પુત્ર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

મહિલાને સૌથી વધુ ખુશી એની જિંદગીમાં જ્યારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે મળતી હોય છે. સામાન્ય રીતે તો તેના માતા-પિતાને તેનું સંતાન ખુબ વ્હાલું હોય છે એ પછી માનવ વસ્તીમાં હોય કે જીવ પ્રાણીની દુનિયામાં જ્યાં બાળકને નાનકડા દર્દને પણ માતા સાંખી શકતી નથી પરંતુ આવી માતા પણ આ દુનિયામાં વસે છે જે તેના બાળકને જન્મ આપી સમાજના ડરે ત્યજી દેતી હોય છે અને આખરે માનવતા આવી માતાઓ ઉપર ફિટકાર વરસાવી એક દિવસના થોડા સમયનો રોષ વ્યક્ત કરતી હોય છે. આખરે શું કારણ હશે કે ફૂલ જેવા નવજાત બાળકને માતાપિતા દ્વારા ત્યજી દેવાનું...? કોઈ અત્યાચારનો ભોગ બની હશે નવજાત શિશુની માતા કે પછી અનૈતિક સંબંધો જવાબદાર કે યુવાનીના રંગમાં ભાન ભૂલાઈ ગયું હશે કે, કારમી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવાની ચિંતા જેવી વિવિધની ચર્ચાઓના વમળો પેદા થયા હતા.

બાયડના ઝાંઝરી ધોધ જવાના માર્ગ નજીકથી પસાર થતા રાહદારીના કાને બાળક ના રડવાનો અવાજ સંભળાતા અટકી ગયો હતો અને તપાસ કરતા નવજાત શિશુ ઝાડી-ઝાંખરામાં ત્યજી દીધેલું મળી આવતા લોકોને જાણ કરતા દોડી આવ્યા હતા રાહદારીએ  ૧૦૮ ઈમરજન્સી ને જાણ કરતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી વિક્રમભાઈ તાબડતોડ ઝાંઝરીના માર્ગ પર પહોંચી ત્યજી દીધેલ નવજાત શિશુને  સારવાર અર્થે બાયડ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું  પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા નવજાત શિશુની જનેતાને શોધવા શોધખોળ હાથધરી કાયદેસરની કાર્યવાહીમાં જોતરાઈ હતી ૧૦૮ ઇમર્જન્સી ના કર્મચારી વિક્રમભાઈના જણાવ્યા અનુસાર ત્યજી દેવાયેલ શિશુ ની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.