મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ પીપળીયા ગામના કાંતિલાલ મૂછડિયા પોતે જીવતા સમાધી લેવાના હોવાની જાહેરાત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. વિજ્ઞાન જાથાી ટીમ દ્વારા મૂછડિયાને સમજાવવા માટે કાંતિલાલ મૂછડિયાના ઘરે પહોંચી હતી. તેમણે બેઠક કરીને આવો અંધવિશ્વાસ ન ફેલાવવાની ચેતવણી પણ આપી હતી. પરંતુ પોલીસ અને વિજ્ઞાન જાથા બંને કાંતિલાલને સમજાવવામાં ફેલ ગયા હતા અને કાંતિલાલ પોતાના જીવતા સમાધીના નિર્ણય પર અડગ રહ્યા હતા.

કાંતિ મૂછડિયાએ 28મીએ  સમાધી લઈ લેવાની જાહેરાત કરી છે. જેને કારણે ભારે તર્ક વિતર્ક સર્જાયા છે. કાંતિલાલે એવું પણ કહ્યું હતું કે જો સમાધી માટે સરકારની મંજુરી ન હોય તો પણ બેઠા બેઠા ધ્યાનમાં જ પોતાનો જીવ જશે તેવી પહેલાથી જ નક્કી છે. ઉલ્લેખનીય છે કે આવા જ એક ભાઈએ થોડા સમય પહેલા પોતાને પ્રભુ લેવા આવવાના છે પોતે કલ્કી અવતાર છે વગેરે વગેરે ફાંકાફોજદારી કરી ખાધી હતી જેને કારણે જેતે સમયે તે લોકોના હિરો બની ગયા હતા પરંતુ જેવો જવાનો દિવસ આવ્યો ત્યારે તે કાકાએ પણ ઢોંગ શરૂ કરી દીધા પરંતુ તે વખતે તેઓ જીવીત રહ્યા હોવાને કારણે લોકોનો ભ્રમ તૂટ્યો અને કાકા ખાલી હીરો બનવા પુરતા આવું કરી રહ્યા હતા તેવું સામે આવ્યું હતું.

આ ઘટનામાં પણ આવું જ બનવા જઈ રહ્યું છે. જેને કારણે પોલીસ અને વિજ્ઞાનજાથા બંને તેમને સમજાવી અંધશ્રદ્ધા ન ફેલાવવા માટે ચેતવ્યા હતા. પરંતુ હજુ કાંતિલાલને તે બાબત મગજમાં બંધબેસી નથી જેને કારણે તે પોતાના સમાધીના નિર્ણય પર અડગ છે. મૂછડીયા ના ઘરે મોડી રાત્રીના એક વાગ્યે વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા અને બ્રાન્ચ ના રુચિર કારીયા ,પીપળીયા ગામના સરપંચ સહિતની ટીમ પહોંચી હતી અને કાંતિલાલ, તેના સમાજના આગેવાનો તેમજ તેના પરિવાર જનો સાથે બેઠક કાંતિલાલ આવું કોઈ પગલું ન ભરે તેવી ચર્ચા કરી હતી અને જો કાંતિલાલ મૂછડીયા આવું કરશે તો વિજ્ઞાનજાથા દ્વારા આગામી તાં 28 ના રોજ ગામે ગામ ગુના નોંધાશે તેમજ જે કાંઈ ઘટના બનશે તેના જવાબદાર કાંતિલાલ પોતે હશે તેવું જણાવ્યું હતું.

આ બેઠકમાં વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા કાંતિલાલ ને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આવું બનશે તો તે પોતાની વીજ્ઞાન જાથા બંધ કરી દેશે તેવું વચન આપ્યું હતું ત્યારે સામે કાંતિલાલ દ્વારા પણ આવું નહિ બને તો તે કાયદેસર કાયદાકીય કાર્યવાહી માંથી પસાર થવા તેમજ કોઈ પણ કપરી પરિસ્થિતિ માંથી પસાર થવાનું નિવેદન આપ્યું છે.

આમ, કાંતિ મૂછડિયા અને વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા વચ્ચે રીતસરની શરત લાગી ગઈ હતી. જયંત પંડ્યાએ અંધવિશ્વાસની સામે દાવ પર વિજ્ઞાનજાથાને લગાવી દીધી તો સામે કાંતિલાલે પોતાને કાયદાકીય પરિસ્થિતિઓમાં ફસાવવા સુધીની તૈયારી બતાવી દીધી હતી.