ગોપાલ ઇટાલિયા (મેરાન્યૂઝ.સુરત) : બાપુ શા માટે આમ લોકોની લાગણી સાથે રમત કરો છો?? જેમ ખાંડ ખાંડ ખાંડ એમ બોલવાથી મોઢામાં ગળ્યું નથી લાગતું, કારેલા કારેલા કારેલા બોલવાથી મોઢામાં કડવું નથી લાગતું તેવી જ રીતે રામ રામ રામ બોલવાથી જીવનમાં કશુ જ પ્રાપ્ત નથી થતુ, પરંતું રામ જેવું જીવવું પડે, રામ જેવું વર્તન કરવું પડે, રામ જેવો ત્યાગ કરવો પડે, રામ જેવી કરુણા પણ હોવી પડે, રામ જેટલો સમદ્રષ્ટિભાવ પણ હોવો જોઈયે.

અમિત શાહ એક અસામાજિક તત્વ છે એ સત્ય છે. નલિયાકાંડની 45 ભોગ બનનાર દિકરીઓ કે જીએમડીસી કાંડમાં શહિદ થનાર 14 યુવાનોને ન્યાય મળે તે માટે બોલવું/લડવું એ કરુણા છે. બાકી સત્ય બોલવાથી સત્ય નથી થઈ જતું, પ્રેમ બોલવાથી પ્રેમ નથી થતો, અને કરુણા બોલવાથી કરુણાવાન સાબીત નથી થવાતું.

પોતે રાજા બનવાના હોય અને આગલી રાતે ખેલ પડી જાય અને રાજપાટ, માલમિલકત, દૌલત, ઝવેરાત બધુ છોડીને વનમાં જવું પડે છતાંય હસતાં મોઢે જે વનમાં જાય એને રામ કહેવાય, એને આદર્શ કહેવાય. પરંતું જે માણસ સંતત્વની પરમ કક્ષાએ બેઠા પછી એક તડીપાર, એક ખૂની, એક ગુંડો, એક અસામાજિક તત્વનાં રાજકીય નિવેદનની દલાલી કરવાનું છોડી ન શકે તેને શુ કહેવાય? દલાલ કે સંત? કે ચાટુકાર? કે પ્રવક્તા?

બાપુ, તમે તમારી એ વાતમાં એમ કહ્યુ છે કે "લોકો ખોટી ઉર્જા વેસ્ટ કરે છે" પરંતું આટલું બોલતાં પહેલા સહેજ વિચાર્યું હોત કે તમે રામાયણનાં વ્યાસપીઠ ઉપરથી ધર્મ અને શાસ્ત્રોની વાત કરવાને બદલે રાજકીય બાબતોમાં કોણ શુ કરે છે તેં અંગે નામ લીધાં વગરની ટીકાટીપણી કરીને તમારી ઉર્જા વેસ્ટ નથી કરી?

વ્યાસપીઠ પર બેઠા પછી તમારુ કામ માત્ર ધર્મચર્ચા કરવાનું જ હોવું જોઈયે કેમ કે શ્રોતાઓ આપની પાસેથી અમિત શાહની ટીપણી અંગે આપના વિચારો જાણવા આવતાં હોતા નથી. તેમ છતાં તમને રાજકીય ઘટનાઓ બાબતે તમારા વિચારો રજુ કરવાનું એટલું જ મન થતુ હોય તો વ્યાસપીઠ ઉપરથી ઉતરીને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમાં જે બોલવું હોય તેં બોલી જવું જોઈયે. વ્યાસપીઠ ઉપરથી ગુંડાછાપ તડીપારની તરફેણ કરીને વ્યાસપીઠનું ગૌરવ, સન્માન, અને દૈવત ઓછું કરવું જોઈએ નહીં.

"કોઇએ કોક ને વાણિયો કીધો એમા અમુક લોકો કકળાટ કરે છે, પરંતું તેં લોકોએ પોતાની ઉર્જા વેસ્ટ કરવી જોઈએ નહીં" આટલું કહેવા માટે તમે તમારી 3 મિનીટની ઉર્જા બગાડી એનું શુ?? અને આમ છતા તમે જ્યારે અમિત શાહનો બચાવ જ કરો છૉ ત્યારે તમને વર્ષ -૨૦૦૨ થી ૨૦૦૭ દરમ્યાન છાશવારે થતા એન્કાઉન્ટરમાં તત્કાલીન ગૃહમંત્રી તરીકે નીર્દોષોની હત્યા કરવામાં અમિતશાહનો કોઈ રોલ નથી દેખાતો?

અને તમારે નિવેદન જ કરવા હોય, એવોર્ડ લેવા હોય તો ખુલ્લીને વાત કરો જેથી જલદી કામ પતે, બાકી બાપુ ખાલી સત્ય/પ્રેમ/કરુણા બોલવાથી કે રામનામનાં જાપ કરવાથી પેટ નથી ભરાતુ, પેટ ભરવા માટે મુઠી અનાજ જોઈયે અને આ અનાજ પકવતા નિર્દોષ 6 ખેડુતોને ગોળીએ દીધાં ત્યારે તમારી માલીપા રહેલો રામ ક્યાં વનમાં ગયો હતો? થોડીક ટીપણી મંદસૌરમાં માર્યા ગયેલાં ખેડુતો વિશે કે વ્યાપમમાં માર્યા ગયેલાં લોકો વિશે કે ખૂની શિવરાજ ચૌહાણ વિશે બોલ્યા હોત તો તમારા પ્રત્યે માન થતુ. જો કે આપ મહાનતાની તમામ હદની ઉપર છો એટલે મારા માન આપવાથી કે ન આપવાથી તમને શુ ફર્ક પડે?

ઠીક છે બાપુ આ તો બધુ ચાલ્યા જ કરે...આપ એટલાં બધા મહાન છો કે સ્વાભાવિકપણે હુ તમને કંઇ કહી કે વીનવી શકુ એવું મારી કોઈ લાયકાત નથી આમ છતા વિનંતિ રહેશે કે આપ ભગવાનનો ડર રાખો.

આ દેશમાં હજારો વર્ષોથી ધર્મ, ભગવાન, સ્વર્ગ, નર્ક, વગેરેની કપોળ કલ્પનાઓ ઊભી કરીને સમાજને હજારો વર્ષો પાછળ રાખવાનું દુષ્કૃત્ય તો ઓલરેડી થઈ જ ચૂક્યું છે પણ આજે ભી આ પરંપરા ચાલુ રાખી છે, હજારો માણસો એક પંડાલમાં બેસીને પોતાના લાખો રૂપિયા, લાખો કલાકોં, પુષ્કળ વીજળી વગેરે બરબાદ કરતા હોય અને આટલી બરબાદી/નુકશાનનાં બદલામાં મળે ફક્ત સ્વર્ગ જેવું આભાસી સુખ, શુ વિશ્વના કોઈ દેશમાં આવુ જોયું છે ખરું?

આ દેશમાં જાતિવાદ, અંધશ્રદ્ધા, ધાર્મિક કટ્ટરવાદ, ધૂતારા, ઢોંગી, વગેરેથી થાકીને લોકો વિદેશ ગયા તો ત્યાં પણ પાછળ પાછળ આ બધુ લઈને પહોચી ગયા? ધર્મનાં અને શ્રદ્ધાનાં નામે આ દેશના લોકોને ગુલામીમાંથી ક્યારે મુકત કરશો બાપુ? તમે વિદેશમાં પણ કથા કરવા જાઓ છો, ત્યારે તમને તેં દેશની અદ્યતન ટેક્નોલોજી, એડવાન્સ મેડીકલ સાયન્સ, રોડ, રસ્તા, વીજળી, બધુ જોઈને એમ નથી થતુ કે આપણાં દેશને રામકથા કરતા "વિજ્ઞાનકથા"ની અને "શિક્ષણકથા"ની વધું જરુર છે?

બાપુ તમારે રામની જેમ રાજપાટ છોડવાના નથી પણ બસ એક નાનકડું છોડવાનું છે, તમારે વ્યાસપીઠ ઉપરથી રાજકીય ભાષણો આપવાનું કે પાર્ટીનો બચાવ કરવાનું છોડવાનું છે બસ....તમારી રામકથાનાં નાયક રામ પોતાના રાજપાટ છોડી શકે તો તમે વ્યાસપીઠ ઉપરથી રાજકીય વ્યભિચાર કરવાનું નહીં છોડી શકો? મારા માટે તો આ વાત સાવ મામુલી છે પણ કદાચ એવું બનેં કે તમારા માટે રાજકીય ટીકા-ટીપણી છોડવી એ રામના રાજ છોડવા કરતાં પણ અઘરું હોઇ શકે છે.

ખેર બાપુ લાસ્ટમાં એક સવાલ પૂછવો છે કે રામ એક છે, રામાયણ એક છે, રામાયણનાં બધાં પ્રસંગો એક છે, પાત્રો એક છે તો પછી એક સામાન્ય રામકથા વાચક અને મોરારીબાપુ વચ્ચે શુ ફરક છે? જો આ ફરક મને સમજાવી શકો તો આપનો આભારી રહીશ.