મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણી નિમિત્તે ગાંધીજીના મૂલ્યો અને વિચારોને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ થકી રાજ્યભરમાં પહોંચાડવાં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન-આઇ.આઇ.ટી.ઇ.) દ્વારા ‘‘બાપુ સ્કૂલ મેં’’ શિર્ષક હેઠળ એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ૨૬ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીના આ અભિયાન અંતર્ગત ગાંધીબાપુએ સૂચવેલા શિક્ષણના વિચારને આત્મસાત કરીને દેશની ભાવિ પેઢીઓનું રાષ્ટ્ર નિર્માણ માટે ઘડતર કરવા આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગરના ૪૮૦ વિદ્યાર્થીઓ અને ૮૦ અધ્યાપકો મળીને કુલ ૫૬૦ ગાંધી વિચાર વિસ્તારકો ગુજરાતના ૩૩ જિલ્લાઓ અને તમામ મહાનગરપાલિકાઓની એક હજાર શાળાઓના ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓમાં બાપુના વિચારો અને મૂલ્યોનો વિસ્તાર કરાશે.

આ વિશિષ્ટ અભિયાનને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય ગાંધીનગર ખાતેથી ખુલ્લુ મુક્યુ હતું. એક સાચા શિક્ષક બનવાના હેતુ અને વૈચારિક રીતે IITE સાથે જોડાયેલા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, ‘‘બાપુ સ્કૂલ મેં’’ અભિયાન અંતર્ગત ગાંધી વિચાર વિસ્તારકનો નવતર પ્રયોગ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં કોઇ યુનિવર્સિટીએ કર્યો નહી હોય. આ એક આવકાર્ય પ્રયોગ છે તેમ કહીને ચુડાસમાએ ઉમેર્યુ હતું કે ગાંધીજીનો એક ગુણ પણ આત્મસાત થશે તો તે રાષ્ટ્ર જ નહી વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

ચુડાસમાએ વિચાર વિસ્તારકની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા જનાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પ્રોત્સાહિત કરતા ઉમેર્યુ હતું કે, આ કામમાં સ્વૈચ્છિક રીતે જોડાવવુ એ જ ગાંધી વિચારની સફળતા છે. ગાંધીજીના વિચારો પેઢી-પરંપરાગત યાદ રહે તો દેશ વધુ આબાદ રહેશે. અનેક દેશો એવા છે કે જેમાં પૂજ્ય બાપુના ૧૧ વ્રતોનું અનુવાદ કરીને તેને ફ્રેમ કરવામાં આવ્યા છે. બાપુએ પ્રદાન કરેલા સત્ય-અહિંસા સહિતના ૧૧ વ્રતને આત્મસાત કરવા મંત્રી  ચુડાસમાએ અનુરોધ કરી IITE દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનની જેમ અન્ય યુનિવર્સિટી પણ આવા કાર્યક્રમો સાથે જોડાય તેવું આહ્વાન કર્યુ હતું.

IITEના કુલપતિ ડૉ.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે,  ગાંધીજીના વિચારને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું અમારુ કર્તવ્ય અને પવિત્ર ફરજ છે. કોમ્યુનીટી, કલ્ચર અને કમિટમેન્ટ આ ત્રણ પાયા ઉપર ‘કોમ્યુનીટી આઉટ રીચ’ પોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ગાંધી વિચારના બીજ વાવવાના ઉદેશ્ય સાથે તૈયાર કરાયેલ આ અભિયાનની માહિતી આપતા પટેલે ઉમેર્યુ હતુ કે, આ અભિયાન ૫૬૦ ગાંધી વિચાર વિસ્તારકો થકી રાજ્યભરની એક હજાર શાળામાં હાથ ધરાશે.  IITEના વિદ્યાર્થીઓ, અધ્યાપકો દ્વારા જ આ મુહીમ ૨૬મી જાન્યુઆરીથી શરૂ થશે અને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી એમ ૬ દિવસમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ સાથે બાપુના જીવન અને મૂલ્યો વિષે સંવાદ કરવામાં આવશે. ખાદીના વણાટની જેમ ગાંધીજીના વિચારોને પણ જીવન અને વર્તનમાં વણાટ કરવા પટેલે આહ્વાન કર્યુ હતું.

IITE દ્વારા શરૂ થનાર અભિયાન ‘‘બાપુ સ્કૂલ મેં’’ના લોગોનું અનાવરણ અને માહિતી પત્રિકાનું વિમોચન શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તમામ જિલ્લામાં ગાંધી વિચારધારાના વિસ્તારક તરીકે જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગાંધી વિચારની માહિતીપ્રદ કીટનું ટીમ લીડર્સને વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ‘‘બાપુ સ્કૂલ મેં’’ અભિયાન હેઠળ કરવામાં આવનાર કામગીરી અને તેનો હેતુ ઉજાગર કરતી વિડીયો ડોક્યુમેન્ટરી રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે G.C.E.R.T.ના ડાયરેક્ટર ડૉ. ટી.એસ.જોષી, IITEના ડીન ડૉ. કલ્પેશ પાઠક, રજિસ્ટ્રાર ડૉ.મધુસુદન મકવાણા, ટીમ લીડર્સ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.