મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ઇન્ટરનેટ અને મોબાઈલના યુગમાં સાયબર ક્રાઈમના ગુન્હાઓ આકાશે આંબી રહ્યા છે. નેટ બેન્કિંગ,ડેબિટ,ક્રેડીટ ધારકો પાસેથી નિતનવા નુસ્ખા અપનાવી સાયબર ગઠિયાઓ લોકોને ઉલ્લુ બનાવી હજ્જારો-લાખ્ખો રૂપિયા ઠગી લેતા હોય છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે ધંધા,રોજગાર વેપારમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે અનેક સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલ ટોળકી લોકોને ખંખેરી રહી છે. અરવલ્લી જીલ્લામાં બેંકિંગ ફ્રોડની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. આવા બનાવો અટકાવવા જીલ્લા પોલીસતંત્રએ નવી પહેલ કરી લોકોમાં સાયબર ક્રાઈમ અને બેંકિંગ ફ્રોડનો ભોગ ન બને તે માટે જનજાગૃતિ બેનર લગાવવામાં આવી રહ્યા છે .માલપુર પોલીસે સ્ટેશન હદ વિસ્તારમાં અનેક બેનર લગાવ્યા છે.
 
જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે "સજાગ રહો સચેત રહો" અને "આપની સુરક્ષા આપની સમજદારી માંજ છે" સ્લોગન હેઠળ સાયબર ક્રાઈમ અને બેંકિંગ ફ્રોડ અટકાવવા માટે પેટ્રોલપંપ, જાહેર સ્થળોએ તેમજ ભીડભાડ વાળા એરિયામાં અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં બેનર લગાવી લોકોમાં જનજાગૃતિ માટે બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ડેબિટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી અજાણ્યા વ્યક્તિઓ અને ફોનધારકો સાથે ઓટીપી,પીન નંબર શેર કરવા નહિ સહીત અનેક સૂચનાઓ દર્શવાતા બૅનર લાગવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા સહીત માલપુર પોલીસની કામગીરીની લોકોએ સરાહના કરી હતી.